જામનગર પાલિકામાં ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સામે 5 મહિલાઓનો જાતીય સતામણીનો ગંભીર આરોપ, ડે.કમિશનરે આપ્યો તપાસનો આદેશ
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગમાં ફરજ બજાવતી પાંચ મહિલા કર્મચારીઓએ વિભાગના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સામે જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે, સુપ્રિટેન્ડન્ટ તેમને અયોગ્ય રીતે જુએ છે અને બિનજરૂરી શારીરિક સ્પર્શ કરે છે. આ અંગે મહિલાઓએ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરતાં આ મામલે હડકંપ મચી ગયો છે.
મહાનગરપાલિકાના ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, આવી ગંભીર ફરિયાદ મળી છે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. જો આરોપ સાચા પુરવા થશે તો આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જોકે, મહાનગરપાલિકામાં ચર્ચાઓ ચાલી રહી છે કે, આઇસીડીએસ વિભાગમાં કામ કરતી કેટલીક મહિલાઓ પહેલા પણ વિવાદોમાં રહી ચૂકી છે, અને તેઓ કોઈને પણ ટકવા દેતી નથી. તેમની પાસે કામ લેવામાં આવે તો તેઓ વિરોધ કરી આ વ્યક્તિ કે અન્યને હેરાન કરે છે. આવી સ્થિતિમાં, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ પણ કદાચિત કડક કાર્યવાહી કરતાં જાતીય સતામણીની ફરિયાદનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
આ મામલેની તપાસ એક કમિટી દ્વારા કરવામાં આવી રહી છે. કમિટી પીડિત મહિલાઓ અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો લઈ રહી છે. આ મામલે વધુ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે, આરોપો સાચા છે કે ખોટા? જામનગર મહાનગરપાલિકામાં આ પ્રકારની ઘટના બનવી એ ચિંતાનો વિષય છે. આ ઘટના દર્શાવે છે કે, કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટે હજુ પણ ઘણું કરવાનું બાકી છે.