જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા ભંગારના વેપારીને ધંધામાં નુકસાની જતાં ઝેરી દવા પી લઈ આપઘાત
Suicide Case in Jamnagar : જામનગરમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં રહેતા ભંગારના વિક્રેતાએ પોતાના ધંધામાં નુકસાની થઇ હોવાથી જિંદગીથી તંગ આવી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ન્યુ સાધના કોલોની ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 613 માં રહેતા અને ભંગારનો વેપાર કરતા બ્રિજેશ જયંતિલાલ સામાણી નામના 41 વર્ષના યુવાને ગઈકાલે જામનગર-રાજકોટ રોડ પર એક હાઇવે હોટલ પાસે જઈ ઝેરી દવા પી લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર નિકુંજ બ્રિજેશભાઈ સામાણીએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. અને તેના આત્મહત્યાના પગલાં અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતકના પિતા ભંગારની લે-વેચનો વેપાર કરતા હતા. જે ધંધામાં નુકસાની જવાના કારણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું છે.