જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તાર માટે ગુમ થયેલું એક સ્કૂટર સીસીટીવી કેમેરાના કંટ્રોલરૂમની ટીમની મદદથી શોધી લેવાયું
જામનગરમાં સિદ્ધિવિનાયક પાર્કમાં રહેતા અનિલભાઈ વિનોદભાઈ નંદા પોતાનું સ્કૂટર લઈને ગત ૬ તારીખે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવ્યા હતા. જ્યાં પોતાનું બેંકનું કામ પતાવી રહ્યા હતા, જે દરમિયાન તેઓએ પાર્ક કરેલું પોતાનું સ્કૂટર કોઈ ઉઠાવી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેઓએ તુરતજ જામનગર પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાના કંટ્રોલરૂમમાં જાણ કરી હતી, જેથી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ની ટીમ દ્વારા તે વિસ્તારના કેમેરા જોઈને ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી.
જે તપાસમાં એક વ્યક્તિ સ્કૂટર ચાલુ કરી દિપક ટોકીઝ તરફથી શાક માર્કેટ તરફ જતાં જોવા મળ્યો હતો, અને તે સ્કૂટર આશાપુરા ના મંદિર પાસેથી મળી આવ્યું હતું.
આથી પોલીસવિભાગ ની કંટ્રોલરૂમની ટીમ દ્વારા તે સ્કૂટર નો કબજો લેવાયો હતો, અને તપાસ કરતા ત્યાં દુકાન ધરાવતા એક વેપારી અહેમદભાઈ હુસેનભાઇ કે જેનો કારીગર પોતાનું એકટીવા લઈને ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ગયો હતો, અને પોતાનુ સ્કૂટર જ્યાં રાખ્યું હતું, જેના બદલે ભૂલથી બાજુમાં પડેલું અનિલભાઈ નંદાનું સ્કૂટર ચાલુ કરીને લઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી.
જેથી મૂળ માલિકને પોતાનું સ્કૂટર પરત મળી ગયું છે, અને ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં અહેમદભાઈ હુસેનભાઇ નું પાર્ક કરેલું સ્કૂટર ત્યાંથી તેના મૂળ માલિકે પરત મેળવી લીધું છે. આમ પોલીસતંત્રના સ્ટાફની ઊંડાણપૂર્વકની તપાસના અંતે વાહન ચાલકને પોતાનું વાહન પરત મળી ગયું છે. જેથી તેમણે પોલીસ ટીમનો આભાર માન્યો હતો.