જામનગરમાં સાડીના વેપારીનો રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત : ફાયર બ્રિગેડની ટુકડીએ 20 કલાકની જહેમત બાદ મૃતદેહ શોધ્યો
image : Pixabay
Jamnagar Suicide Case : જામનગરના રણજીતસાગર રોડ પર નાનકપુરી વિસ્તારમાં રહેતા અને સાડીનો વેપાર કરતા એક વેપારીએ રણજીત સાગર ડેમમાં જંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. ફાયર બ્રિગેડની ટુકડીએ સતત 20 કલાકની જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી શોધી કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો છે.
જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં રહેતા અને સાડીનો વેપાર કરતાં પ્રકાશભાઈ નામોમલ રાજપાલ નામના 55 વર્ષના વેપારી કે જેઓ ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળી ગયા હતા, અને તેઓએ રણજીત સાગર ડેમમાં પડતું મૂકી દીધું છે તેવી માહિતીના આધારે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડ શાખાના કર્મચારીઓની ટીમ ગઈકાલે રણજીતસાગર ડેમ પર પહોંચી હતી, અને મોડી સાંજ સુધી ડેમના પાણી ફંફોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ડેમના પાણીમાં તેઓનો કોઈ પતો લાગ્યો ન હતો.
દરમિયાન આજે સવારે પંચકોષી બી. ડિવિઝન પોલીસની હાજરીમાં ફાયર બ્રિગેડની ટુકડી ફરીથી ઓપરેશન હાથ ધરી રહ્યું હતું, દરમિયાન વેપારીનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો જેનો કબજો પોલીસે સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ભાઈ મુકેશભાઈ રાજપાલ કે જેવો સ્થળ પર પહોંચી ગયા હતા, પોતાના ભાઈના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક પ્રકાશભાઈના બનેવીનું આજથી ચાર દિવસ પહેલાં ધોરાજીમાં અવસાન થયું હતું, અને તેઓ ચાર દિવસથી ગુમસૂમ રહેતા હતા. ત્યારબાદ તેઓએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવાયું છે.