જામનગરમાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલને ઘરે રિવોલ્વર સાફ કરતી વેળાએ પગમાં ગોળી વાગી
- સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા
જામનગર,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર
જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ ગઢવીને આજે રિવોલ્વર સાફ કરતી વેળાએ પોતાના પગમાં ગોળી વાગી હતી. જેને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
લાલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા, અને લાલપુરના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ ગઢવી કે જેઓ આજે સવારે 10.30 વાગ્યાના અરસામાં પોતાના ઘેર સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે તેના રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ હતી, અને પગના સાથળના ભાગે વાગી હતી.
આ બનાવને લઈને ભારે દોડધામ થઈ હતી. તેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તબીબો દ્વારા તેમના પર સર્જરી કરવામાં આવી રહી છે.
આ બનાવને લઈને લાલપુરના પોલીસ બેડામાં દોડધામ થઈ હતી. અન્ય પોલીસ કર્મચારીઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.