જામનગર નજીક દરેડમાં રહેતી પરપ્રાંતિય પરણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત
image : Freepik
Suicide Case in Jamnagar : મુળ ઉત્તર પ્રદેશની વતની અને હાલ દરેડમાં રહેતી એક પરપ્રાંતિય પરિણીત મહિલાએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતાં મનમાં લાગી આવવાથી ગળેફાંસો ખાઈ લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર નજીક દરેડમાં રહેતી પૂનમદેવી અરવિંદભાઈ કશ્યપ નામની 23 વર્ષની પરપ્રાંતિય પરણીતાએ ગઈકાલે પોતાના ભાડાના મકાનની ઓરડીમાં લોખંડની આડસમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પતિ અરવિંદ રમેશભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન પતિ પત્ની બંને વચ્ચે રસોઈ બનાવવા બાબતે બે દિવસ પહેલાં ઝઘડો થયો હતો, જેનું મનમાં લાગી આવતાં પૂનમદેવીએ આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે.