Get The App

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સાત વર્ષની માસૂમ બાળકીની છેડતી કરનાર શખ્સ પકડાયો

Updated: Nov 25th, 2021


Google News
Google News
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સાત વર્ષની માસૂમ બાળકીની છેડતી કરનાર શખ્સ પકડાયો 1 - image


- પતંગ લઈ દેવાના બહાને બાળકીને પોતાના ઘરમાં બોલાવી શારીરિક છેડછાડ કરી હતી

- બાળકીએ બૂમાબૂમ કરતા આડોશી-પાડોશીઓએ ભેગા થઇ જતા બાળકીને બચાવી લીધી હતી

જામનગર, તા. 25

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાત વર્ષની માસૂમ બાળકીને પતંગ લઈ દેવાના બહાને 42 વર્ષીય પુરૂષે પોતાની હવસનો શિકાર બનાવવા માટે  શારીરિક છેડછાડ કરી હતી. પરંતુ બૂમાબૂમ થવાથી પાડોશીઓ એકત્ર થઈ જતાં બાળકીને બચાવી લેવાઇ છે. જ્યારે નરાધમ શખ્સને પકડી લઈ પોલીસને સુપરત કરી દેવાયો છે. જે બનાવને લઇને શંકરટેકરી વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ છે.

આ બનાવની વિગત એવી છે મૂળ રાજકોટના વતની અને હાલ શંકરટેકરી વિસ્તારમાં રહેતી પોતાની બહેનના ઘેર આટો મારવા માટે આવેલો રાજેશ ગોવિંદભાઈ મકવાણા નામના 42 વર્ષીય શખ્સ કે જે વિકૃત માનસિકતા ધરાવે છે. અને ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પોતાની બહેનના ઘરના દરવાજા પાસે બેઠો હતો, અને ઘરમાં કોઈ હતું નહીં. જે દરમિયાન નજીકમાં જ રહેતી એક ૭ વર્ષીય  માસૂમ બાળકી ત્યાંથી પસાર થઇ રહી હતી જેના પર તેણે નજર બગાડી ને બાળકીને પતંગ લઇ  આપવાના બહાને પોતાની પાસે બોલાવી હતી.

ત્યાર પછી સમજાવી ફોસલાવીને ઘરની અંદર લઈ ગયો હતો. જ્યાં બાળકીને પલંગ પર સુવડાવી શારીરિક છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળકીએ બૂમાબૂમ કરી મૂકતાં અને પ્રતિકાર કરતાં આડોશી-પાડોશીઓ એકત્ર થઇ ગયા હતા, અને સમય સુચકતા વાપરી બાળકીને તેના કબજામાંથી છોડાવી લીધી હતી. દરમિયાન રાજેશ મકવાણા પોતાના રૂમમાં દરવાજો અંદરથી બંધ કરી ને બેસી ગયો હતો. જેથી આડોશી-પાડોશીઓએ તુરત જ પોલીસને જાણ કરી હતી. જેથી સીટી-સી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મકાનનો દરવાજો ખોલી નાખી અંદરથી રાજેશ મકવાણા નામના શખ્સની અટકાયત કરી લઇ સીટી-સી ડિવિઝન પોલીસ મથકે લઇ ગયા હતા.

સમગ્ર ઘટના પછી પોલીસે ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપી  રાજેશ ગોવિંદભાઈ મકવાણા (રાજકોટ) સામે ગુનો નોંધી અટકાયત કરી લઈ કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને શંકરટેકરી વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.

Tags :
molestationShankartekri

Google News
Google News