જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ નજીકના વિસ્તારમાં રહેતા એક ખેડૂત પરિવારના મકાનમાં ધોળે દહાડે તસ્કરોનો હાથ ફેરો
Image: Freepik
જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડની સામેના વિસ્તારમાં રહેતા એક ખેડૂત પરિવારના રહેણાક મકાનને કોઈ તસ્કરો એ ધોળે દહાડે નિશાન બનાવી લીધું હતું, અને બપોરના ચાર કલાકના સમયગાળા દરમિયાન મકાનમાંથી રૂપિયા ૨,૧૦,૦૦૦ ની કિંમત ના સાડા આઠ તોલા સોનાના દાગીના ની ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ સામેના રેલવેની ફાટકના બાજુમાં આવેલી વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા ધર્મેશભાઈ દેવશીભાઈ ચૌહાણ નામના સતવારા ખેડૂત ના રહેણાંક મકાનને ગઈકાલે ધોળે દહાડે કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. બપોરે ૧.૦૦ વાગ્યાથી સાંજે ૫.૪૫ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતા, અને અંદરના રૂમમાં રહેલા કબાટને વેરણ છેરણ કરી નાખ્યો હતો.
કબાટની તિજોરીમાં રાખવામાં આવેલા જુદા જુદા સાડા આઠ તોલા સોનાના દાગીના, કે જેની કિંમત બે લાખ દસ હજાર રૂપિયા થવા જાય છે. જે ઘરેણાની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. સાંજે ૫.૪૫ વાગ્યે ખેડૂત પોતાને ઘેર આવ્યા, ત્યારે ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેમણે તુરતજ સિટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. જેથી પી.એસ.આઇ. પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા છે, અને તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.