જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં બેફામ ગતિએ આવી રહેલા ટ્રક ચાલકે હોમગાર્ડના જવાનનો પગ ભાંગી નાખ્યો

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં બેફામ ગતિએ આવી રહેલા ટ્રક ચાલકે હોમગાર્ડના જવાનનો પગ ભાંગી નાખ્યો 1 - image

જામનગર,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર

જામનગર નાગનાથ ગેઇટ ચોકડી વિસ્તારમાં ગઈ રાત્રે એક ટ્રક ચાલકે બાઈક સવાર હોમગાર્ડના જવાનને હડફેટમાં લઈ તેનો પગ કચડી નાખ્યો છે. પોલીસે ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી વિસ્તારમાં ગઈકાલે રાતે જી.જે. 12 એ.યુ. 5817 નંબરનો ટ્રક ચાલક બેકાબુ બન્યો હતો, અને હોમગાર્ડની ફરજ પૂરી કરીને પોતાના ઘર તરફ જઈ રહેલા એક હોમગાર્ડના જવાન બાઇક સવારને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં હોમગાર્ડના જવાનનો ડાબો પગ ટ્રકના વહીલ નીચે ચગદાયો હતો, અને ભારે રક્તસ્ત્રાવ થઈ ગયા પછી હોમગાર્ડના જવાનને ગંભીર ઇજા થઇ હતી. જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં મોડી રાત્રે તેના પર સર્જરી કરવામાં આવી છે.

 આ અકસ્માતના બનાવ પછી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


Google NewsGoogle News