જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્ય રામ સવારી યોજાઈ
જામનગર, તા. 18 જાન્યુઆરી 2024 ગુરૂવાર
જામનગર જિલ્લામાં પણ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખૂબ જ ધાર્મિક માહોલ બનેલો છે, અને રામમય વાતાવરણની વચ્ચે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અને સમગ્ર ખંઢેરા ગામ રામમય બન્યું હતું.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે કાલાવડ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે
કાલાવડ ના ખંઢેરા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા ગામના રામ મંદિર થી નીકળીને સમગ્ર ગામમાં ફરી હતી.
શોભાયાત્રા માં બાળકો દ્વારા ભગવાન રામ,માતા સીતા અને લક્ષ્મણ સ્વરૂપમાં વાજતે વાજતે પુરા ગામ માં ફર્યા હતા. આ વેળાએ ગામ લોકો દ્વારા ભગવાન રામ,સીતા અને લક્ષમણ ની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં હનુમાન પાત્ર લોકો માટે આકર્ષણ બન્યું હતું.
શોભાયાત્રા માં શણગારેલ ઘોડા પણ જોડાયા હતા. અને બાળકો એ ઘોડે સવારી કરી હતી. શોભાયાત્રા માં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ ભેર જોડાયા હતા, અને જય શ્રી રામ ના નારા લાગયા હોવાથી સમગ્ર ગામ મા ભકિતમય વાતાવરણ ઊભું થયું હતું.