જામનગરના ચાંદી બજારમાં સોની વેપારી 12 નાગરિકોનું 37.84 લાખનું સોનું લઈને છૂમંતર
Jamnagar Fraud News : જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીનો શોરૂમ ધરાવતા એક સોની વેપારી કે જે જામનગરના 12 જેટલા લોકોનું સોનું તથા રોકડ રકમ વગેરે મળી 37.84 લાખનું ફૂલેકું ફેરવીને રફુચક્કર થઈ જતાં મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. અને સોની વેપારી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઇ છે. જે સોની વેપારીને પોલીસ શોધી રહી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજામાળે રહેતા અને જામનગરમાં ચાંદી બજારમાં ન્યુ ક્રિષ્ના જ્વેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મનીષભાઈ ચંદુલાલ નાંઢા કે જેણે ગત તારીખ 8.12.2023 થી 30.6.2024 સુધીના સમયગાળા દરમિયાન જામનગરના જુદા-જુદા 12 વ્યક્તિ પાસેથી સોનું બનાવવા માટે કેટલાક નાણાં મેળવ્યા હતા. જ્યારે કેટલાક નાગરિકો પાસેથી જૂનું સોનુ લઈને નવું સોનું બનાવી આપવા માટે મેળવી લીધા બાદ પોતે દુકાનને તાળું મારીને છુ મંતર થઈ ગયા હતા.
આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો. જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી સુનિતાબેન અશોકભાઈ ઘેડિયા નામની એક મહિલાએ સોની વેપારી મનીષ ચંદુલાલ નાંઢા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સોની વેપારીએ ઉપરોક્ત સમયગાળા દરમિયાન જામનગરની સુનિતાબેન નામની મહિલા ઉપરાંત કંકુબેન નામની અન્ય એક મહિલા, તથા લાખુબેન, ઉર્મિલાબેન, નયનાબા શક્તિસિંહ ગોહિલ, જયેશભાઈ સામતભાઈ, વિનોદભાઈ ઉકાભાઇ, હિરેનભાઈ ગોવિંદભાઈ, જીતેશભાઈ, હંસાબેન મકવાણા, બીનાબેન હરગોવિંદભાઈ સોલંકી, તેમજ વિજયસિંહ ચંદુભા જાડેજા સહિત કુલ 12 વ્યક્તિની 37.84.650 ની કિંમત સોના ચાંદીના દાગીના અથવા રોકડ રકમ વગેરે પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ભાગી છૂટ્યા હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. જેના અનુસંધાને પીએસઆઇ એમ.એન.રાઠોડ એ આઈપીસી કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે સોની વેપારીની શોધખોળ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જામનગરના સોની બજારમાં ભારે હલચલ મચી ગઈ છે.
જામનગરમાં લાલચ આપનાર સોની વેપારીના પાંચ મોબાઈલ સ્વિચ ઓફ
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીની દુકાન ધરાવતો સોની વેપારી જુદા-જુદા પાંચ મોબાઇલ ફોન પબ્લિક સંપર્ક માટે રાખ્યા હતા. જૂનું સોનું લેવા માટે અથવા તો તેના હપ્તે પૈસા લેવા માટે પોતાના અલગ-અલગ પાંચ મોબાઈલ નંબર સંપર્ક માટે રાખીને તે તમામનું પોતે સંચાલન કરતો હતો. તમામ ગ્રાહકો કે જેઓએ પોતાની મરણ મૂડી હપ્તે હપ્તે ભેગી કરીને સોની વેપારીને આપી હતી.
આ લોભામણી સ્કીમમાં મોટાભાગની મહિલાઓ જ ભોગ બની છે. જે તમામ મહિલાઓ નાના મોટા ઘરકામ કે અન્ય કોઈ ગ્રહ ઉદ્યોગ કરીને રકમ અથવા સોનું જમા કરાવતા હતા અને તે તમામ રકમ અથવા સોનું લઈને સોની વેપારી એકાએક ગાયબ થયો હતો. હવે તેના પાંચેય મોબાઈલ ફોન સ્વીચ ઓફ થયા હતા. જેના ઘર અને દુકાનની પણ તપાસણી કરી હતી અને બંને સ્થળે તાળા લાગી ગયા હતા. આસપાસના લોકોણાં કહેવા મુજબ તેણે ગામ છોડી દીધું છે તેવું જાણવા મળતાં આખરે પોલીસ ફરિયાદ કરાઈ છે.