જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા ગેરેજ સંચાલક નો બીમારીના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત
Image: Freepik
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા એક યુવાને પોતાની ધ્રુજારીની બીમારી તેમજ માનસિક બીમારીથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જોડિયાના બાલંભા ગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા સચિન કૈલાસગીરી ગોસ્વામી નામના ૨૧ વર્ષના બાવાજી યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બાલંભા ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પિતા કૈલાશગિરી નરોતમગીરી ગોસ્વામી એ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવાન નાનપણથી જ હાથ અને પગની ધ્રુજારીની બીમારીથી પીડાતો હતો, જેના કારણે તેનાથી ગેરેજ નું કામ પણ થઈ શકતું ન હતું, તેમજ છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારી પણ લાગુ પડી ગઈ હોવાથી તે બીમારીથી કંટાળી જઈ ગળાફાંષા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું તેના પિતા દ્વારા જાહેર કરાયું છે.