Get The App

જામનગર નજીક-નાઘેડીમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટર વ્યાજખોર ની ચુંગાલ માં ફસાઈ જતાં ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક-નાઘેડીમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટર વ્યાજખોર ની ચુંગાલ માં ફસાઈ જતાં ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો 1 - image


જામનગર નજીક નાઘેડીમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા એક બાંધકામના કોન્ટ્રાક્ટર યુવાને વ્યાજખોરના ચક્કરમાં ફસાઈ ગયા પછી તેના ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોતાના ધંધા માટે ૫૦ લાખ રૂપિયા લીધા હતા જેનું દર માસે ત્રણ ટકા  લેખે ૫૦ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરાતી હોવાથી ઝેર પી લીધા નું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા ભીમશીભાઇ સાજણભાઈ હાથલીયા નામના ૪૩ વર્ષના બાંધકામના કોન્ટ્રાક્ટર યુવાને ગઈકાલે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તબીબો દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પંચકોષી બી. ડિવિઝનના એ.એસ.આઇ.એમ.એલ. જાડેજા બનાવના સ્થળે જીજી હોસ્પિટલે દોડી ગયા હતા અને તેઓનું નિવેદન નોંધ્યું હતું.

જેમાં પોતે વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાઈ ગયા હોવાથી તેમાંથી છુટકારો મેળવવા માટે આપઘાત ના પ્રયાસનું પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. 

પોલીસની વધુ પૂછપરછ દરમિયાન તેને આજથી ત્રણ વર્ષ પહેલાં પોતાના ધંધા માટે જામનગરના રામભાઈ ગોજીયા નામના એક શખ્સ પાસેથી ૫૦ લાખ રૂપિયા ત્રણ ટકા લેખે વ્યાજે લીધા હતા, જેનું દર માસે દોઢ લાખ રૂપિયા વ્યાજ ચૂકવતા હતા, અને અંદાજે ૫૦ લાખ થી વધુ નું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં રામભાઈ ગોજીયા દ્વારા દબાણ કરાતું હતું. 

હાલમાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ત્રણેક હપ્તા ચડી ગયા હોવાથી ઉપરાંત સિક્યુરિટી પેટે પોતાના જુદા જુદા બે મકાનો કે જેના દસ્તાવેજો ની ફાઈલ પણ રામભાઈ ગોજીયાએ પડાવી લીધી હતી. જેના ત્રાસ ના કારણે પોતે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું.

આથી પોલીસે ભીમશીભાઈ હાથલીયા ની ફરિયાદના આધારે આરોપી રામભાઈ ગોજીયા સામે આઇપીસી કલમ ૫૦૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૫, ૩૯,૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News