જામનગરના લોઠીયા ગામની સીમમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાની હત્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર
image : Freepik
- મધરાતે શ્રમિક યુવાનની સાળીના અપહરણનો પ્રયાસ કરનાર ચાર શખ્સો દ્વારા શ્રમિક યુવાન અને તેની પત્ની પર હુમલો કરાયો
- ઇજાગ્રસ્ત દંપત્તિને સારવાર માટે જુદી જુદી હોસ્પિટલમાં ખસેડાયા પછી સગર્ભા પત્નીએ સારવારમાં દમ તોડ્યો હોવાથી બનાવ હત્યામાં પલટાયો
જામનગર,તા.26 ફેબ્રુઆરી 2024,સોમવાર
જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના ઘેર ખૂની ખેલ ખેલાયો છે, અને શ્રમિક યુવાનની સાળીનું અપહરણ કરવા માટે આવેલા ચાર શખ્સોને પડકારતા શ્રમિક યુવાન અને તેની પત્ની પર ચાર શખ્સોએ હુમલો કરી દીધો હતો. જે દંપત્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સગર્ભા યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાથી આ બનાવ હત્યામાં પલટાયો હતો, અને પોલીસે ચાર શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના લોઠીયા ગામમાં જગદીશભાઈ પીપળીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની બહાદુર દોલાભાઈ ભુરીયા નામના 35 વર્ષના આદિવાસી યુવાને પોતાની પત્નીને ઢોર માર મારી મૃત્યુ નીપજાવવા અંગે ખોજાબેરાજા ગામના જયંતીભાઈ નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતાં પીશું ઉર્ફે રમેશ પ્રતાપભાઈ બામણીયા, ખોજા બેરાજા ના ખેડૂત મનસુખભાઈ ભંડેરીની વાડીમાં રહીને મજૂરી કામ કરતા બે ભાઈઓ દિનેશ નંગરશીભાઈ બામણીયા, અને સુંદર નંગરથી બામણીયા તેમજ ચંદ્રગઢ ગામના ખેડૂત કૈલાશભાઈ સોરઠીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કરતા ભાવસિંગ દીપસિંગ વાસકેલા સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પંચકોષી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી.મોઢવાડિયાએ આઇપીસી કલમ 302, 323, 114 તેમજ જીપીએક્ટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો છે. હાલ ચારેય આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓને પકડવા માટે પોલિસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં કોમબિંગ હાથ ધર્યું છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી બહાદુર અને એને તેની પત્ની લલીતાબેન ઉર્ફે લલ્લીબેન (ઉંમર વર્ષ 30) કે જેઓ ગત તા 31.1.2024 ના રાત્રે 12.00 વાગ્યાના અરસામાં પોતાના ધરમાં સુતા હતા, જે દરમિયાન ચારેય આરોપીઓ ધોકા પાઈપ જેવા હથિયારો સાથે તેમના ઘરમાં ધસી આવ્યા હતા, અને તેની સાળીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જે દરમિયાન દંપત્તિએ જાગી જઈ પ્રતિકાર કરતાં ચારેય હુમલાખોરો એ ઉશ્કેરાટમાં આવી જઇ ધોકા પાઈપ વડે દંપત્તિ પર હુમલો કરી દીધો હતો. તેથી અને ભાગી છૂટયા હતા.
દરમિયાન ઇજાગ્રસ્ત દંપતીને સૌપ્રથમ લાલપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ પત્ની બેનને વધુ ઇજા થઈ હોવાથી જાંબવાની સરકારી હોસ્પિટલમાં તેમજ દાહોદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવી હતી. ત્યાં પણ તેણીની તબિયત લથડતાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી, દરમિયાન રસ્તામાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. સમગ્ર મામલે પી.એસ.આઇ. એમ.વી.મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.