લાલપુરના ગોવાણા ગામમાં શ્રમિક પરિવારના બે વર્ષના બાળકનું બોરવેલમાં ગરકાવ થઈ જવાનું પ્રકરણ
Image Source: Twitter
બેદરકારી પૂર્વક ખુલ્લો બોરવેલ મૂકી દેનાર વાડી માલિક સામે લાલપુર પોલીસે બેદરકારી દાખવવા અંગે ગુનો નોંધ્યો
જામનગર, તા. 8 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બે દિવસ પહેલાં શ્રમિક પરિવારનો બે વર્ષનો બાળક ખુલ્લા બોરવેલ માં પડી ગયો હતો, અને ફાયર અને પોલીસ સહિતના તંત્રએ કવાયત કરી બાળકને હેમખેમ બચાવી લીધો હતો. જે પ્રકરણમાં બેદરકારી પૂર્વક ખુલ્લો બોરવેલ મૂકી દેનાર વાડી માલીક સામે લાલપુર પોલીસે ગુન્હો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રણમલભાઈ મેપાભાઇ કરંગીયા નામના વાડી માલિકે પોતાની વાડીમાં તાજેતરમાં પાણીનો બોર કરાવ્યો હતો. પરંતુ તે બોરવેલ ખુલ્લો મૂકી દીધો હતો, જેના કારણે બાજુની વાડીમાં મજૂરી કામ કરતા નિલેશભાઈ રમેશભાઈ વસાવા નો બે વર્ષનો પુત્ર રાજ ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો.
જેને ફાયર-પોલીસ સહિતના વહીવટી તંત્રએ ૯ કલાકની જહેમત પછી હેમખેમ બચાવી લીધો હતો. આ પ્રકરણમાં લાલપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
બાળકના પિતા નીલેશભાઈ વસાવાની ફરિયાદ ના આધારે ખુલ્લો બોરવેલ મૂકી દઇ બેદરકારી દાખવાનારા રણમલભાઈ મેપાભાઇ કરંગીયા સામે આઇપીસી કલમ ૩૩૬ અને ૩૩૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં બોર ને સીલ કરી દેવાયો છે.