જામનગરમાં ખાટકીવાડ વિસ્તારમાં વીજ ચોરી કરવા અંગે વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી સામે ગુનો નોંધાયો
પૂર્વ વિપક્ષી નેતા અને તેના મળતીયા દ્વારા ૩૬ રૂમ વાળા બિલ્ડિંગમાં ગેરકાયદે વિજ જોડાણ મેળવી લઈ પાવર ચોરી કરાતી હોવાનું સામે આવ્યું
મકાન માલિક કોંગી કોર્પોરેટર અને તેના મળતીયા સામે વીજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી રૂપિયા ૩.૪૯ લાખનું વિજ ચોરીનું બિલ ફટકારાયું
જામનગર, તા. 12 માર્ચ 2024 મંગળવાર
જામનગરમાં ખાટકીવાડ વિસ્તારમાં પૂર્વ વિપક્ષના નેતા અને વોર્ડ નંબર ૧૨ ના વર્તમાન કોંગી કોર્પોરેટર દ્વારા મોટાપાયે વીજ ચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે. પોતાના મળતીયા દ્વારા ૩૬ રૂમ વાળા એક બિલ્ડીંગમાં ગેરકાયદે વીજ જોડાણ મેળવી લઈ તે રૂમ ભાડેથી આપીને વીજ ચોરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વિજ ચેકિંગ ટુકડીએ પોલીસ બંદોબસ્ત સાથે દરોડો પાડી મસમોટી વીજ ચોરી પકડી પાડી છે, અને જામનગરના વીજ પોલીસ મથકમાં પૂર્વ વિપક્ષી નેતા અને તેના મળતીયા સામે રૂપિયા ૩.૪૯ લાખનો વિજ ચોરી અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને લઈને ભારે ચર્ચા જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખાટકીવાસ વિસ્તારમાં ગઈકાલે બપોરે જામનગર પીજીવીસીએલ ની ટીમના અધિકારી કોમલબેન ચંદારાણા અને અન્ય વિજ સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ માટે પહોંચી ગયો હતો, અને સિટી એ. ડિવિઝન ના પી.આઇ. એન.એ. ચાવડાની હાજરીમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જ્યાં વોર્ડ નંબર ૧૨ ના વર્તમાન કોંગી કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી કે જેના દ્વારા એક બિલ્ડીંગ બનાવાયું છે, જેમાં ૩૬ રૂમ છે. જે તમામ રૂમ પૈકીના કેટલાક રૂમ અલગ અલગ ભાડુઆતો ને ભાડેથી આપવામાં આવ્યા છે, અને તેમાં પી.જી.વી.સી.એલ.નું કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ ન હોવા છતાં બિલ્ડીંગના પાછળના ભાગમાં માંથી સીધું વીજ જોડાણ મેળવીને અલગ અલગ રૂમમાં વીજ પુરવઠો પહોંચાડી મોટા પાયે વિજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી વીજતંત્ર દ્વારા તમામ લંગરીયા વીજ વાયર સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી હતી, જ્યારે એસેસમેન્ટ કર્યા પછી રૂપિયા ૩,૪૯,૫૩૪.૬૦ રૂપિયાનું પુરવણી વીજ બિલ અપાયું છે, જ્યારે કોર્પોરેટર અસલમ કરીમ ભાઈ ખીલજી અને તેના મળતીયા લતીફ હાજીભાઈ શેખ સામે વીજ પોલીસ મથકમાં વિજ ચોરી અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીને લઈને ખાટકીવાડ વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.