રમળેચી ગામના વેપારી સાથે લગ્નના નામે કરી છેતરપીંડી
સીદસર ઉમિયાધામ ખાતે કર્યા હતા લગ્ન
યુવતીના અગાઉ લગ્ન થઇ છૂટાછેડા થઇ ગયા હોવાની હકીકત છૂપાવી યુવતીના પિતાએ છેતરપીંડી કર્યાની ફરિયાદ
તાલાલા તાલુકાના રમળેચી ગામના વતની અને લેથ મશીન અને તેના પાર્ટ્સ બનાવવાનું કામ કરતા નીરજભાઈ ઉર્ફે લાલાભાઇ મનસુખભાઈ કમાણી નામના ૩૬ વર્ષના વેપારી યુવાને પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી કરવા અંગે પોતાની પત્ની ખુશ્બુના પિતા રાજકોટ જિલ્લાના લોધિકામાં રહેતા કાંતિલાલ કાનજીભાઈ ઘેટીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન નીરજભાઈ સાથે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે આરોપી કાંતિલાલભાઈ ઘેટીયાની પુત્રી ખુશ્બુ સાથે નોંધણી કરાવી લગ્ન કર્યા હતા.
ત્યારબાદ ખુશ્બુબેન લગ્ન કરીને નિરજભાઈની સાથે થોડો સમય માટે રહેવા આવ્યા હતા, પરંતુ પોતાના ઘેરથી માવતરે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પતિ પત્ની વચ્ચે વિખવાદ ચાલતો હતો. દરમિયાન તેણી ગર્ભવતી બન્યા હતા, અને તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીનું અને પોતાનું ભરણપોષણ મેળવવા માટે નીરજભાઈ સામે અદાલતમાં કેસ કરવામાં આવ્યા છે.
દરમિયાન નિરજભાઈને હકીકત જાણવા મળી હતી કે ખુશ્બુબેન કે જેના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા હતા. જે હક્કત છુપાવીને તેના પિતા કાંતિલાલભાઈએ પોતાની પુત્રીને બીજા લગ્ન કરી પરણાવી દીધી હતી. પોતાની સાથે છેતરપિંડી અંગે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.