જામનગર જિલ્લાના લાલપુરમાંથી ડિગ્રી વગરનો એક બોગસ તબીબ SOGના હાથે પકડાયો
જામનગર,તા.01 ઓક્ટોબર 2022,શનિવાર
જામનગર જિલ્લામાં બોગસ તબીબોનું રાફડો ફાટ્યો છે, અને એસ.ઓ.જી.શાખા દ્વારા સમયાંતરે આવા બોગસ તબીબોને શોધી કાઢી તેની સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે, ત્યારે ગઈકાલે લાલપુર માંથી વધુ એક બોગસ તબીબને એસ.ઓ.જીની ટુકડીએ પકડી પાડ્યો છે.
લાલપુરમાં જૈન સમાજ ની વાડી સામે જ એક બોગસ તબીબ, કે જેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવીને ગરીબ દર્દીઓ સાથે ચેડાં કરી રહ્યો છે, તેવી માહિતીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ ગઈકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. અને લાલપુરના પ્રગટેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશ દિનેશભાઈ પટેલ નામના શખ્સને પકડી પાડ્યો હતો જેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ના હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું, અને તેના દવાખાનામાંથી જુદી જુદી દવાઓ તથા અન્ય મેડિકલ ને લગતા સાધનો વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે, અને લાલપુર પોલીસ મથકમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.