કાલાવડના ખંઢેરા ગામમાં 9 વર્ષના બાળકનું ફુલઝર નદીમાં નાહવા જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ
Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા અને અભ્યાસ કરતા નવ વર્ષના એક બાળકનું ફુલઝર નદીમાં નહાવા માટે પડતાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મહીસાગરના વતની અને હાલ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા ખેડૂત વિજયભાઈ નારણભાઈ સંઘાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા અરવિંદભાઈ અખમભાઈ ડામોર નામના આદિવાસી ખેત મજુરનો નવ વર્ષનો પુત્ર યુવરાજ કે જે ગઈકાલે બપોરે 12.00 વાગ્યાના અરસામાં ખંઢેરા ગામ પાસે આવેલી નદીમાં નાહવા માટે પડ્યો હતો. જે દરમિયાન એકાએક ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા અરવિંદભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.