જામનગરમાં નંદન પાર્કમાં રહેતી 26 વર્ષની પરિણીતાનો સાસરિયાઓના ત્રાસથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત
Image: Freepik
જામનગરમાં રામેશ્વર નજીક નંદન પાર્ક-૧માં રહેતી ૨૬ વર્ષની પરણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘેર સાસરિયાઓના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ મામલે પરણીતાને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ સાસુ સસરા સહિતના પાંચ સાસરીયાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર નજીક નંદન પાર્ક શેરી નંબર -૧ માં રહેતી પરીતાબેન મોહનભાઈ ભરડવા નામની ૨૬ વર્ષની પરણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘેર સાસરિયાઓના ત્રાસથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ બાદ મૃતક પરિતાબેનના પિતા દામજીભાઈ વજશીભાઈ મંડોરા કે જેઓ ઢીચડા રોડ પર તિરુપતિ પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ પોતાની પુત્રીના સાસરીયામાં દોડી આવ્યા હતા, જ્યાં હાજર રહેલા પી.એસ.આઇ. સમક્ષ પોતાની પુત્રીને સાસરિયાઓનો ખૂબ જ ત્રાસ હતો, અને તેઓના ત્રાસના કારણે જ પોતાની પુત્રી પરીતાબેને તંગ આવી જઇ ગળાફાંસ દ્વારા આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે મૃતકના પિતા દામજીભાઈ મંડોરાની ફરિયાદના આધારે પરીતાબેનના શ્વસુર પક્ષના સભ્ય સાસુ ગીતાબેન કરસનભાઈ ભરડવા સસરા કરસનભાઈ ભરડવા, પતિ મોહનભાઈ કરસનભાઈ ભરડવા,ઉપરાંત ચેતનભાઇ કરસનભાઈ ભરડવા અને પાયલબેન ચેતનભાઇ ભરડવા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ અને પરીતાબેન ને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગેની આઇપીસી કલમ ૩૦૬,૪૯૮- અ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવને લઈને રામેશ્વર નગર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.