Get The App

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા 80 વર્ષના બુઝુર્ગે પોસ્ટ ઓફિસની બચતની 30,000 ની રકમ ગુમાવી

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા 80 વર્ષના બુઝુર્ગે પોસ્ટ ઓફિસની બચતની 30,000 ની રકમ ગુમાવી 1 - image

image : Freepik

- પોસ્ટ ઓફિસ થી નાણા ઉપાડીને રિક્ષામાં બેસીને ઘરે પરત ફરતાં ચાલુ રિક્ષામાં કોઈ ગઠિયાએ રોકડ સેરવી લીધી

- પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષા ચાલક સહિતના અન્ય બે શકમંદોને ઉઠાવ્યા

જામનગર,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા 80 વર્ષના બુઝુર્ગ જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી પોતાની બચતના 30,000 રૂપિયા ઉપાડીને ઘેર પરત ફરી રહ્યા હતા, દરમિયાન ચાલુ રિક્ષામાં તેમના ખિસ્સામાંથી રોકડ રકમ કોઈ તસ્કરો સેરવી ગયા હતા. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે એક રીક્ષા ચાલક સહીત ત્રણ શકમંદોને ઉઠાવ્યા છે, અને નજીકના ભવિષ્યમાં ચોરીનો ભેદ ખુલી જાય તેવી શક્યતા છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં શાયોના શેરી નંબર-4 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા પરસોત્તમભાઈ જેઠાભાઈ માંડવીયા નામના 80 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગત 3જી તારીખે સવારે 10.30 વાગ્યાના અરસામાં મુખ્ય પોસ્ટ ઓફિસે પોતાના બચતના નાણા ઉપાડવા માટે આવ્યા હતા, અને પોસ્ટ ઓફિસમાંથી 30 હજારની રકમ લઈને પોતાના ખિસ્સામાં મૂકી હતી, અને પોતાના ઘેર પરત ફરવા માટે એક રિક્ષામાં બેઠા હતા.

 માંડવી ટાવરથી રિક્ષામાં બેઠા પછી તેઓ પોતાના ઘેર પહોંચ્યા દરમિયાન ખિસ્સામાંથી રૂપિયા 30,00 ની રકમ ગાયબ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, તેથી પરસોત્તમભાઈ માંડવીયા તુરત જ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યા હતા, અને ચાલુ રિક્ષામાં પોતાના ખિસ્સામાંથી રોકડ ગાયબ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

 જેના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસે માંડવી ટાવરથી લઈને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસ્યા હતા, અને એક રિક્ષાચાલક તેમજ રિક્ષામાં બેઠેલા બે અન્ય મુસાફરો સહિતના ત્રણ શકમંદોને ઉઠાવી લીધા છે, અને ગણતરીના કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતા છે.


Google NewsGoogle News