જામનગરથી સપડા દર્શનાર્થે જઈ રહેલા 7 પદયાત્રીઓને રિક્ષાચાલકે હડફેટે લીધા, એક બાઈક ચાલક પણ ઘવાયો

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
જામનગરથી સપડા દર્શનાર્થે જઈ રહેલા 7 પદયાત્રીઓને રિક્ષાચાલકે હડફેટે લીધા, એક બાઈક ચાલક પણ ઘવાયો 1 - image


Jamnagar Accident : જામનગર નજીક સપડાના ગણેશ મંદિરે વહેલી સવારે પદયાત્રા કરીને જઇ રહેલા સાત જેટલા પદયાત્રીઓને રીક્ષા ચાલકે હડફેટમાં લઈ લેતાં ભારે બુમાબુમ થઈ ગઈ હતી. ઉપરાંત એક બાઈક ચાલક પણ ઇજાગ્રસ્ત બન્યો હતો. જે તમામને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. એકત્ર થયેલા લોકોએ રીક્ષા ચાલકને લમધારી નાખ્યો હોવાથી તેને પણ ઈજા થઈ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે આજે ગણેશ ચતુર્થી હોવાના કારણે જામનગરથી અનેક પદયાત્રીઓ પગપાળા ચાલીને સપડાના ગણેશ મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા.

 જે દરમિયાન એક રીક્ષા ચાલક બેકાબુ બન્યો હતો. જી.જે. 10 ટી ડબલ્યુ 7512 નંબરની રિક્ષાના ચાલકે પદયાત્રા કરીને જઈ રહેલા મહિલાઓ સહિતના 7 જેટલા પદયાત્રીઓને પાછળથી ઠોકરે ચડાવ્યા હતા. જેથી પદયાત્રીઓમાં ભારે બુમાબુમ થઈ ગઈ હતી. 

ત્યારબાદ રીક્ષા ચાલક સામેથી આવી રહેલા એક બાઈક જી.જે.10 એ.આર.5190 નંબરના બાઈક ચાલકને પણ ઠોકર મારી દેતાં બાઈક ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો, અને તમામને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. 

આ અકસ્માતના બનાવ સમયે અન્ય પદયાત્રીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને રીક્ષા ચાલક કે જે રોડથી નીચે ઉતરીને બાવળની જાળીમાં ઘુસ્યો હતો, તેને રિક્ષામાંથી બહાર કાઢીને લમધારી નાખ્યો હોવાથી તેને પણ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવી પડી હતી. 

આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News