જામનગરમાંથી 67 વર્ષના બુઝુર્ગ ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયા : અન્ય બે બુકીના નામ ખુલ્યા
image : Freepik
IPL Cricket Betting Jamnagar : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધુંવાવ નાકા વિસ્તારમાંથી 67 વર્ષના એક બુઝુર્ગને ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપી લીધા છે, જેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરના અન્ય બે બુકીને ફરાર જાહેર કરાયા છે.
જામનગરમાં ધુંવાવ નાકા બહાર પખાલીવાડ વિસ્તારમાં રહેતા દીપકભાઈ બાલુભાઈ ચુડાસમા નામના 67 વર્ષના બુઝુર્ગ પોતાના મોબાઈલ ફોન મારફતે આઈ.પી.એલ.ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ધુંવાવ નાકા વિસ્તારમાં દરોડો પાડયો હતો, અને દીપકભાઈ ચુડાસમાને ક્રિકેટનો સટ્ટો રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.
પોલીસે તેની પાસેથી રૂપિયા 1500 ની રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા છે, જ્યારે તેની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના જે.પી. નામના એક બુકી તથા ભોલાભાઈ સાથે ક્રિકેટના સોદાની કપાત અને પૈસાની લેતી દેતી કરતા હોવાનું કબુલ્યું હોવાથી પોલીસે તે બંનેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.