Get The App

જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં 66 કે.વી. સબ સ્ટેશનની અંદર કોઈ અજ્ઞાત શખ્સોએ પ્રવેશ કરી રૂપિયા બે લાખની કિંમતનો કેબલ સળગાવી નાખ્યો

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં 66 કે.વી. સબ સ્ટેશનની અંદર કોઈ અજ્ઞાત શખ્સોએ પ્રવેશ કરી રૂપિયા બે લાખની કિંમતનો કેબલ સળગાવી નાખ્યો 1 - image


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં આવેલા જેટકો કંપનીના ૬૬-કે.વી. સબ સ્ટેશનના એરિયા ની અંદર કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી લઈ ખાનગી સોલાર કંપનીના હેવી કેબલને કોઈ જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી નાખી રૂપિયા બે લાખનું નુકસાન પહોંચાડ્યા ની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જે મામલે પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે.

કેબલ ને આગ ચાંપી દેવાના  બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં જેટકો કંપનીનું ૬૬ કે.વી. સબ સ્ટેશન આવેલું છે, જે સબ સ્ટેશનની અંદરના ભાગમાં હાઇકોન ટેકનોકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી સોલાર કંપની દ્વારા પોતાની સોલાર પેનલમાંથી ૬૬ કેવી સબ સ્ટેશનમાં વીજ પુરવઠો પહોંચાડવા માટે હેવી કેબલ પસાર કરવામાં આવ્યો છે, અને તે કેબલ મારફતે જેટકો કંપનીને વિજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

જે હેવી કેબલને ગત ૯મી તારીખે રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ જેટકોના એરિયામાં પ્રવેશ કરી કેબલ પર ટ્યુબ વીટી નાખી હતી અને તેના પર કોઈ જવલનશીલ પદાર્થ નાખી કેબલને સળગાવી નાખ્યો હતો. જેના કારણે વીજ પુરવઠા વીતરણમાં વિક્ષેપ થયો હતો.

આ બનાવ અંગે ખાનગી સોલાર કંપનીના સુપરવાઇઝર અરુણભાઈ બીજલભાઇ ચાવડાએ સૌપ્રથમ જેટકો કંપની ને લેખિતમાં અરજી કરીને જાણ કરી હતી, ત્યારબાદ આ બનાવ અંગે શેઠ વડાળા પોલીસમાં અરજી કરવામાં આવતાં શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે પહોંચી ગયો હતો અને પંચનામું કર્યું હતું.

સુપરવાઇઝર અરુણભાઈ બીજલ ભાઇ ચાવડા ની ફરિયાદના આધારે શેઠ વડાળા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે નવા કાયદાની કલમ બીએનએસ ૩૨૯(૩) તથા ૩૨૪(૪), ૩૨૬ (એફ) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને જેટકો કંપનીના એરિયામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ નિહાળીને કેબલને સળગાવી નાખી નુકસાન પહોંચાડનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.


Google NewsGoogle News