જામજોધપુરના શેઠ વડાળામાં પાડોશી યુવાનની હત્યા કેસમાં પકડાયેલા એક મહિલા સહીત 6 આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર
Image: Freepik
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં બે પાડોશીઓ વચ્ચે બાળકો અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા પછી એક યુવાનની હત્યા નિપજાવાઈ હતી, જે હત્યા પ્રકરણમાં પાડોશમાં રહેતા એક મહિલા સહિતના છ આરોપીઓ ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામ નામના ૪૫ વર્ષના યુવાન પર બાળકો અંગેની તકરારમાં તેના પાડોશમાં જ રહેતા પ્રકાશ બાબુભાઈ મકવાણા, બાબુભાઈ બચુભાઈ મકવાણા, કાનજીભાઈ બચુભાઈ મકવાણા, રણછોડભાઈ બચુભાઈ મકવાણા, દયાબેન બાબુભાઈ મકવાણા અને રવિભાઈ બાબુભાઈ મકવાણા વગેરે દ્વારા લાકડી- ધોકા વડે જીવલેણ હુમલો કરાયો હતો, જેના કારણે લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામજોધપુર ની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેણે દમ તોડી દીધો હોવાથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઉપરાંત રમેશભાઈ ના અન્ય બે ભાઈઓ શૈલેષભાઈ તથા પ્રકાશભાઈ ને પણ ઇજા થઇ હતી.
જે બનાવ અંગે તમામ આરોપીઓ સામે હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, અને શેઠવડાળા પોલીસની ટીમે તાત્કાલિક અસરથી મહિલા સહિતના તમામ છ આરોપીઓની અટકાયત કરી લીધી છે. જેને રિમાન્ડ ની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
જ્યાં અદાલતે તમામ છ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવા હુકમ ફરમાવ્યો છે. તેઓ પાસે હત્યા માં વપરાયેલી લાકડી સહિતના હથીયાર પણ કબજે કરાયા છે.