જામનગરમાં તંત્ર દ્વારા સીલ કરાયેલી 191 મિલકતો પૈકી 5 ખાનગી શાળાના સીલ ખોલી દેવાયા
Jamnagar Corporation Fire Safety Drive : રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યભરમાં હોટલ રેસ્ટોરન્ટ, શાળા કોલેજ, ટ્યુશન કલાસ સહિતના સંકુલોમાં ફાયર એન.ઓ.સી. સહિતની ચકાસણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતું થયું હતું, અને શહેરમાં જુદી જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ છે, અને ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી હતી. જે પૈકી શહેરની કુલ 72 સ્કૂલ, 58 કલાસીસ, 39 હોટલ અને 22 હોસ્પિટલ સહિત કુલ 191 મિલકતો સિલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળની સિટી ઈજનેર ભાવેશ જાનીની રાહબરીમાં ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હોય, તેવી શાળાઓને સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અનુસંધાને જેની કાર્યવાહી પૂર્ણ થઈ હોય તેવી પાંચ શાળાઓના સીલ ગઈકાલે સાંજે જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ખોલી દેવામાં આવ્યા હતા.
તેમજ હજુ પણ જે શાળાના સંચાલકો દ્વારા બાંહેધરી આપવામાં આવી રહી છે, અને પ્રક્રિયાઓ પૂર્ણ થઈ રહી છે, તેવી અન્ય શાળાના સીલ પણ ખોલવામાં આવી રહ્યા છે. હાલમાં માત્ર સ્કૂલનાજ સીલ ખોલવાની પ્રક્રિયાઓ થઈ રહી છે. ખાનગી ટ્યુશન ક્લાસ, હોટલ રેસ્ટોરન્ટ વગેરે પર હજુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.