આજે નવાનગર જામનગરનો 485મો સ્થાપના દિન: સત્તાધીશો અને રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત ઉજવણી
ઈ.સ. 1540માં શ્રાવણ સુદ સાતમનાં દિને જામરાવળે નવાનગરની સ્થાપના કરી હતી, જેને દુનિયા આજે જામનગર શહેર તરીકે ઓળખે છે. આજે જામનગરનાં 485માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે દરબાર ગઢ વિસ્તારમાં આવેલ શહેરની સ્થાપના સમયની ખાંભીનું સત્તાધીશો દ્વારા પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ શહેરનાં પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસૂર્યા દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું, ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા સહિતનાં આગેવાનો ખાંભી પૂજનમાં જોડાયા હતાં.
આ ઉપરાંત તળાવની પાળે રણમલ તળાવ સંકુલમાં માછલીઘર પાસે આવેલ પૂર્વ રાજવી દિગ્વિજયસિંહજી જાડેજાનાં ગોલ્ડન સ્ટેચ્યુને પણ ફૂલહાર અર્પણ કરી રજવાડી શાસકોની પણ વંદના કરવામાં આવી હતી.
નવાનગર-જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા શહેરનાં સ્થાપના દિનની ઉજવણી
'છોટીકાશી' નું બિરૂદ પામેલા જામનગરની સ્થાપના શ્રાવણ સુદ સાતમનાં દિને જામરાવળે કરી હતી. ઇ.સ. 1540માં શહેરની સ્થાપના વખતે દરબાર ગઢ વિસ્તારમાં ખાંભી રોપવામાં આવી હતી, જે આજે પણ હયાત છે. દર વર્ષે શહેરનાં સ્થાપના દિને આ ખાંભી નું પૂજન કરવાની પરંપરા છે. આજે શહેરનાં 485માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર જામનગર વિધાનસભા મત વિસ્તારનાં ધારાસભ્ય રીવાબા જાડેજા તથા પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિતનાં રાજપૂત અગ્રણીઓ તથા સમાજનાં હોદ્દેદારો દ્વારા ખાંભી પૂજનની પરંપરા નિભાવી રજવાડી વારસાની વંદના સાથે શહેરનાં સ્થાપક અને રજવાડી શાસકો જાડેજાઓનાં કુળદેવી માઁ આશાપુરાનાં દરબાર ગઢ નજીક આવેલ પ્રાચીન મંદિરે પણ શહેરની સલામતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ તકે ધારાસભ્ય રીવાબા દ્વારા શહેરનાં સ્થાપક જામરાવળથી વર્તમાન જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સુધીનાં રાજવી વ્યક્તિત્વોનાં યોગદાનનું પ્રેરક સ્મરણ કરવામાં આવ્યું હતું.