જામનગર નજીક હાઈવે રોડ પરથી દ્વારકાના 4 શખ્સો ચાલુ કારમાં IPLનો ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયા , 12.33 લાખનો મુદ્દામાલ કબજે
Jamnagar Cricket Gambling Crime : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે હાઇવે રોડ પરથી એક કારમાં દ્વારકાના ચાર શખ્સો ક્રિકેટનો સટ્ટો રમાડી ચાલુ કારમાં ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈકાલે રાતે વોચ ગોઠવી હતી, અને ચાલુ કારમાંથી દ્વારકાના વતની ચારેય શખ્સોને ક્રિકેટનો ડબ્બો ચલાવી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવવા અંગે પકડી પાડ્યા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, અને કાર સહિત રૂપિયા 12.33 લાખની માલમતા કબજે કરવામાં આવી છે, જ્યારે તેઓની સાથે ક્રિકેટનો સટ્ટો રમનારા અન્ય 16 પન્ટરોને ફરાર જાહેર કરાયા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન સિક્કા પાટીયા પાસેથી હાઈવે રોડ પર પસાર થઈ રહેલી ક્રેટા કારમાં કેટલાક શખ્સો આઇપીએલની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે એલસીબીના પી.આઇ. અને એલસીબીની ટીમ દ્વારા સિક્કા પાટીયા પાસે વોચ ગોઠવી હતી.
જે વોચ દરમિયાન જામનગર થી દ્વારકા તરફ જઈ રહેલી એક ક્રેટા કાર પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદર બેસીને ચાર શખ્સો પોતાના જુદા જુદા મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમાડી ક્રિકેટનો ડબ્બો ચલાવી રહેલા મળી આવ્યા હતા.
પોલીસે ચારેય શખ્સોના નામ પૂછતાં તેઓના નામ સિદ્ધાર્થ ભરતભાઈ બથીયા, કિસન વસંતલાલ મીન, હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર અને ઇન્દ્રજીતસિંહ વેરશીભા માણેક અને ચારેય દ્વારકાના વતની હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ચારેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 3,100 ની રોકડ રકમ, છ નંગ મોબાઈલ ફોન અને ક્રેટા કાર સહિત રૂપિયા 12,33,100 ની માલમતા કબજે કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ દ્વારકા-ઓખા-ખંભાળિયા સહિતના જુદા જુદા 16 જેટલા પન્ટરો સાથે ક્રિકેટના સોદાની મોબાઈલ ફોન મારફતે કપાત કરતા હોવાનું કબૂલી લીધું હતું. તેથી પોલીસ દ્વારા ઠાકુરભાઈ પાર્થિવ, 78 નંબર, સુલતાનભાઈ, પીલુભાઇ, 99 નંબર, ડોન, મોન્ટી, કમલેશભાઈ, રોકીભાઈ, 9 નંબર, ઠાકોરભાઈ, 115 નંબર, 18 નંબર, 7 નંબર, એ.બી., અને ટાઈગર નામ ધારી 16 પન્ટરોને ફરાર જાહેર કરાયા છે. તેઓના મોબાઈલ નંબરના આધારે પોલીસ દ્વારા તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે.