જામનગર શહેરને પાણી પૂરું પાડતા 4 જળાશયોમાં આવ્યા નવા નિર : જીવાદોરી સમાન રણમલ તળાવની સપાટીમાં વધારો
Lakhota Lake in Jamnagar : જામનગર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત લાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારણે જામનગર શહેરને પાણી પૂરું પાડતા ચારેય જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેથી જામનગર શહેર માટે હાલ ત્રણ માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ચારેય ડેમમાં સંગ્રહ થયો છે.
જામનગરના રણજીતસાગર ડેમમાં ગઈકાલે નવું બે ફૂટ પાણી આવ્યું છે ડેમની સપાટી 20 ફૂટ હતી જે વધીને 22 ફૂટ થઈ છે, અને 636 એમ.સી.એફ.ટી. નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત શહેરને પાણી પૂરું પાડતા સસોઇ ડેમમાં પણ ગઈકાલે અડધો ફૂટ નવું પાણી આવ્યું છે. કુલ 534 એમ.સી.એફ.ટી. નવા પાણીની આવક થતાં ડેમની કુલ સપાટી 13.88 ફુટ થઇ છે. આ ઉપરાંત ઉંડ-2 ડેમમાં પણ ગઈકાલે રાત્રે 857 એમ.સી.એફ.ટી. પાણી આવતાં હાલ ડેમની સપાટી 13.45 ફૂટ થઈ છે. જ્યારે આજી ડેમમાં પણ ગઈકાલે 450 એમસીએફટી નવું પાણી આવ્યું છે, અને આ ડેમની સપાટી પણ 12.13 ફૂટ થઈ છે.
ચારેય જળાશયોમાં નવા પાણીની આવક થવાથી જામનગર શહેર માટે ત્રણેક મહિના જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે, એમ જામનગર મહાનગર પાલિકાની હોટલ વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચારણીયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. અને હજુ પણ વરસાદી વાતાવરણ બંધાયેલું છે, જેથી તમામ ડેમમાં વધુ પાણીની આવક થઈ શકે તેમ છે.
જામનગર શહેરના જીવાદોરી સમાન રણમલ તળાવમાં પણ નવા પાણીની આવક થઈ છે. ગઈકાલે દરેડ આસપાસના ગ્રામ્ય પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો હોવાના કારણે દરેડની કેનાલમાં પાણી આવ્યું હતું, અને તળાવ ઠલવાયું હતું, જેથી રણમલ તળાવની સપાટીમાં પણ વધારો થયો છે.