જામનગરમાં ગઈકાલે પતંગ મહોત્સવ દરમિયાન દેશી વિદેશી 37 પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા
- જામનગર શહેરમાં બે બાળકો સહિત પાંચ વ્યક્તિને પતંગના દોરાની ઈજા થવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ
જામનગર,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર
જામનગર શહેરમાં નગરજનોએ મકરસંક્રાંતિનું પર્વ પતંગ ઉડાવીને ઉજવ્યું હતું, અને મહોત્સવની મજા માણી હતી, પરંતુ તે પતંગના દોરાની મજા 37 જેટલા દેશી-વિદેશી પક્ષીઓ માટે સજા રૂપ સાબિત થઈ હતી, અને કુલ 37 પક્ષીઓ ઘાયલ થયા હતા. જે તમામને સારવાર અપાઇ છે.
જામનગર શહેરમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના અનેક વિસ્તારોમાં પતંગો ઉડયા હતા. વહીવટી તંત્ર દ્વારા વિશેષ ગાઈડલાઈન જાહેર કરીને વહેલી સવારે પતંગ નહીં ઉડાડવા તેમજ સંધ્યા ટાઈમે પણ પતંગ નહીં ઉડાડવા માટે સૂચન કર્યું હતું.
તેમ છતાં કેટલાક પતંગવીરોએ તે સમયે પણ પતંગ ઉડાડવાનું ચાલુ રાખ્યું હતું, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પતંગના દોરાને લઈને 37 જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા.
જેમાં 31 કબુતર, એક કોયલ, એક સફેદ કબુતર, એક એલબીસ ચકલી, ઉપરાંત એક બગલો, એક પેલીકન પક્ષી અને એક વિદેશી બેબલેટ પક્ષી સહિત કુલ 37 પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા હતા.
જામનગર શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત અનેક સ્થળે કેમ્પ રખાયા હતા, અને પ્રત્યેક સ્થળ પર ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી હતી, જ્યારે વધુ ઘાયલ થયેલા પક્ષીઓને ફોરેસ્ટ વિભાગમાં બર્ડ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી, અને હાલ તમામ પક્ષીઓને બર્ડ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રખાયા છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પતંગના દોરાના કારણે પાંચ વ્યક્તિઓ સામાન્ય ઇજાગ્રસ્ત બની હતી. બે બાળકો અને ત્રણ પુરુષો સહિતના પાંચ વ્યક્તિને પતંગના દોરાની ઈજા થવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવી હતી, અને તમામને પ્રાથમિક સારવાર કર્યા પછી રજા આપી દેવાઇ છે. સદભાગ્ય કોઈને પતંગના દોરાથી વધુ ઈજા થઈ હોવાના અહેવાલો મળ્યા નથી.