જામનગર શહેર અને દરેડ GIDCમાં PGVCL દ્વારા સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિંગ ચાલુ, 35.40 લાખની વીજ ચોરી પકડાઈ
Jamnagar PGVCL Checking : જામનગર શહેરમાં આજે બુધવારે સતત ત્રિજા દિવસે પણ વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી. જીલ્લામાં 47 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. શહેરમાં ચેકિંગ દરમિયાન 78 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે. અને તેઓને 35.40 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે બુધવારે સવારે જામનગર શહેરના કૌશલ નગર, હાપા માર્કેટિંગ યાર્ડ, સિલ્વર સોસાયટી કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ, એકડેએક બાપુની દરગાહ જોડીઆ ભૂંગા, માધાપર ભૂંગા અને જામનગર દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
47 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરાવવામાં આવી હતી જેના માટે 15 એસઆરપીના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન કુલ 533 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી વિજ 78 જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે અને તેઓને રૂપિયા 35.40 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા ત્રણ દિવસના સમય ગાળા દરમિયાન 1 કરોડ 16 લાખની વીજળી પકડી પાડવામાં આવી છે.