જામનગરમાં એમ.પી. શાહ ઉદ્યોગ નગરમાં આવેલી ગોપી ડેરી પ્રોડક્ટમાં વિજ ચેકિંગ દરમિયાન મસ મોટી રૂપિયા 30લાખની વીજ ચોરી પકડાઈ
- વીજ ગ્રાહક દ્વારા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર પાસે આવેલ ડીબી બોક્સમાંથી 20 મીટર વધારાનો કેબલ ખેંચી ને વીજ ચોરી કરાતી હતી
જામનગર, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર
જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા ગોપી ડેરી પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગઈ મોડી રાત્રે પૂર્વ માહિતીના આધારે વિજ ચેકિંગ કર્યું હતું, અને ફેક્ટરી માંથી રૂપિયા 30લાખની મસમોટી વિજ ચોરી પકડી પાડવામાં આવી છે. પી.જી.વી.સી.એલ. ના ટ્રાન્સફોર્મર ના ડીબી બોક્સમાંથી 20 મીટર લાંબો કેબલ ખેંચીને વીજ ચોરી કરાતી હોવાનું માલુમ પડ્યું હતું. તે અંગે વિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરની પીજીવીસીએલ વર્તુળ કચેરીના વિજ અધિકારીઓને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગરમાં એમ.પી. શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી ગોપી ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં ગેરકાયદેસર વધારા નો કેબલ જોડીને મોટા પાયે વિજ ચોરી કરવામાં આવી રહી છે.
જે માહિતીના આધારે ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં જીયૂવીએનએલ ની આઈ.સી. સ્ક્વોર્ડ ના નાયબ ઇજનેર શ્રી એમ. ડી. પટેલ તથા જુનિયર ઈજનેર કે.પી.પીપરોતર અને સાત રસ્તા સબ ડિવિઝન ના નાયબ ઇજનેર શ્રી પી. જી. શાહ સહિતની ટુકડીએ ઉપરોક્ત ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. જે ચેકિંગ દરમિયાન વીજ ગ્રાહક દ્વારા પોતાની ફેક્ટરીની બહાર આવેલા પીજીવીસીએલ ના વીજ ટ્રાન્સફોર્મર ના ડીબી બોક્સમાંથી એક વધારા નો કેબલ ખેંચીને તેને ભૂંગળીમાંથી પસાર કરી, છેક મીટર સુધી લઈ જવાયો હતો, અને મીટરને બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી વીજ ચેકિંગ ટુકડી દ્વારા સ્થળ ઉપર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી તેમજ રોજકામ, પંચનામુ કરીને મીટર, સર્વિસ વાયર કબજે કરી લેવાયા છે, અને વીજચોરી માં વપરાયેલો વધારા નો કેબલ પણ જપ્ત કરાયો છે. સાથોસાથ સ્થળ પરનું વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યું છે.
ઉપરોક્ત પેઢીના સંચાલકો સામે વીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જયારે આસામીને રૂપિયા 30 લાખનું પુરવણી બિલ પણ આપવામાં આવ્યું છે. આ વીજ ચોરીની કાર્યવાહીથી એમ. પી. શાહ ઉદ્યોગ નગરમાં ફફડાટ મચી ગયો હતો.
વીજ ચોરી નાબૂદ કરવા તથા વીજ લોસ ઘટાડવાની ઝુંબેશના ભાગ રૂપે, કડક કાર્યવાહી અંતર્ગત આ યુનિટમાં પાવર સપ્લાય કરતું ટ્રાન્સફોર્મર પણ પેટા વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે.