જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં બિલ્ડીંગની લિફ્ટમાં પૂર્વ ડેપ્યુટી મેયર સહિત ત્રણ વ્યક્તિ ફસાયા : ફાયર વિભાગે બહાર કાઢ્યા
image : Socialmedia
Trapped in Lift At Jamnagar : જામનગરમાં ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં આવેલા જ્યોત ટાવર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પૂર્વ ડેપ્યુટી મેયર સહિત ત્રણ વ્યક્તિઓ ફસાયા હતા, જેઓને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા.
જામનગરના વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કુસુમબેન પંડ્યા ઉપરાંત ચિરાગભાઈ કોઠારી અને વિજય નામના ત્રણ વ્યક્તિ કે જેઓ આજે સવારે જ્યોત ટાવર બિલ્ડીંગની લીફ્ટમાં ચોથા માળે જઈ રહ્યા હતા, જે દરમિયાન એકાએક લાઈટ જતાં લિફ્ટ બંધ પડી ગઈ હતી. જેથી ભારે દેકારો બોલી ગયો હતો.
દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી, લિફ્ટનો કાચના દરવાજાનો ભાગ વગેરે તોડી લિફ્ટની અંદર સ્ટુલ મૂકીને એક પછી એક ત્રણેયને સલામત રીતે બહાર કાઢી લેતા સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.