જામનગર જિલ્લામાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં બે ભાઈઓ- એક મહિલા અને એક બુઝુર્ગ સહિત ત્રણને ગંભીર ઇજા
Image Source: Freepik
જામનગર, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન જુદા જુદા ત્રણ વાહન અકસ્માતોમાં બે ભાઈઓ, એક મહિલા તથા 70 વર્ષના એક બુઝુર્ગ સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગરના ઢીંચડા રોડ પર બન્યો હતો. જામનગરમાં ખેતીવાડી વિસ્તારમાં ઇન્દિરા કોલોની માં રહેતા રમેશભાઈ બધાભાઈ જાદવ નામના 70 વર્ષના બુઝુર્ગ પોતાનું બાઈક લઈને ઢીંચડા રીંગરોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સામેથી આવી રહેતા એક અજ્ઞાત બાઈક ના ચાલકે તેઓને ઠોકર મારી પછાડી દેતાં ફ્રેક્ચર સહિતની નાની મોટી ઇજા થઈ હતી, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. જેમણે અજ્ઞાત મોટરસાયકલ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગર-કાલાવડ રોડ પર સપડા અને વિજરખી ગામની વચ્ચે બન્યો હતો. જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ઠાકરશીભાઈ બુસા નામના 50 વર્ષના આધેડ અને તેઓના મોટાભાઈ મેઘજીભાઈ કે જેઓ બંને એક બાઈક પર બેસીને જામનગર-કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન સામેથી પુર ઝડપે આવી રહેલા જીજે 10- U 6791 નંબરના ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો, અને બંને ભાઈઓને નાની-મોટી ઇજાઓ થઈ છે, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ અકસ્માત મામલે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતનો ત્રીજો બનાવ જામનગરના બેડી ગેઇટ વિસ્તારમાં બન્યો હતો. જ્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા ભગવતીબેન મોહનભાઈ નામના 70 વર્ષની વય ના વૃદ્ધ મહિલા, કે જેઓને પુરઝડપે આવી રહેલા જીજે 12 બીવી 3074 નંબરના ટ્રક ના ચાલકે હડફેટમાં લઈ લીધા હતા, અને બંને પગ ભાંગી નાખ્યા હતા. જે ઇજાગ્રસ્ત મહિલા ને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેણીનો ડાબો પગ કાપી નાખવો પડયો છે, જ્યારે તેના જમણા પગમાં 22 ટાંકા લેવા પડ્યા છે. જે અકસ્માત મામલે પોલીસે જીજે-12 બી.વી. 3074 નંબરના ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.