જામનગરમાં થયેલી ત્રણ મોટર સાયકલ તથા એક રીક્ષા ચોરીના ભેદ ઉકેલાયા: એક ટાબરીયા સહિત ત્રણ તસ્કરોની અટકાયત

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં થયેલી ત્રણ મોટર સાયકલ તથા એક રીક્ષા ચોરીના ભેદ ઉકેલાયા: એક ટાબરીયા સહિત ત્રણ તસ્કરોની અટકાયત 1 - image

જામનગર,તા.03 ફેબ્રુઆરી 2024,શનિવાર

જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ૩ મોટરસાયકલો તથા એક ઓટો રીક્ષાની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન તથા સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને સફળતા સાંપડી છે, અને એક ટાબરીયા સહિત ૩ તસ્કરોની અટકાયત કરી લઇ ચોરાઉ વાહનો કબજે કર્યા છે.

 જામનગરના ગોકુલનગર નજીક સાયોના શેરીમાંથી એક મોટરસાયકલ ચોરી થયું હતું, ત્યારબાદ એક ઓટો રીક્ષાની પણ ચોરી થઈ હતી. જે બંને વાહનોની ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને ચોરાઉ મોટર સાયકલ લઈને નીકળેલા જામનગરના ગોકુલ નગર નજીક શિવનગરમાં રહેતા વિશાલ રાજુભાઈ ચાવડા નામના શખ્સની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ચોરાઉ બાઈક કબજે કર્યું હતું.

 જેની પૂછપરછ દરમિયાન તેણે જામનગર શહેરમાંથી એક રીક્ષાની પણ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી, અને સીટી સી. ડિવિઝન પોલીસે ચોરાઉ બાઈક અને રીક્ષા કબજે કરી લીધા છે.

આ ઉપરાંત ગોકુલ નગર રડાર રોડ વિસ્તારમાંથી એક બાઈક ચોરી થઈ ગયું હતું, જે ચોરાઉ બાઈક સાથે નીકળેલા એક ટાબરીયાને સીટી સી. ડિવિઝન પોલીસે પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી મોટરસાયકલ કબજે કરી લીધું હતું.

જામનગરમાં લાખોટા તળાવની પાળ ગેઇટ નંબર-9 ની સામેથી તાજેતરમાં એક બાઈકની ચોરી થઈ હતી, જે બાઈક ચોરીનો ભેદ સિટી એ. ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે, અને મૂળ જુનાગઢ તાલુકાના વંથલી ગામના વતની અને હાલ દ્વારકામાં બસ સ્ટેશન નજીક મારવાડી વાસમાં રહેતા દિપક ઉર્ફે કરણ નરસિંહભાઈ રાઠોડની અટકાયત કરી લઈ તેની પાસેથી ચોરાઉ બાઈક કબજે કરી લીધું છે.


Google NewsGoogle News