જામનગર પંથકમાં તંત્ર દ્વારા વધુ 3 રેસ્ટોરન્ટ, 5 ખાનગી શાળા, 5 ટયુશન કલાસ અને 7 હોસ્પિટલ સીલ કરાઈ
Fire Safety Jamnagar : રાજકોટ ગેમજોન દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યભરમાં હોટલ રેસ્ટોરન્ટ-શાળા કોલેજ, ટ્યુશન કલાસ સહિતના સંકુલોમાં ફાયર એન.ઓ.સી. સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતું થયું છે, અને શહેરમાં જુદી જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ છે, અને ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.
જેમાં ચાર દિવસ દરમિયાન શહેરમાં આવેલી 29 હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા બાદ આજે વધુ 3 હોટલ સિલ કરાઈ છે. અને કુલ આંકડો 32 નો થયો છે.
તંત્ર દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને 124 થી વધુ હોસ્પિટલોમાં ચેકિંગની કાર્યવાહી થઈ હતી. અને કેટલીક હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી.નો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે ગઈકાલ સુધી 15 હોસ્પિટલોને પાર્ટલી સીલ કરવામાં આવી હતી. દરમિયાન આજે વધુ 7 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે જેથી કુલ 22 હોસ્પિટલો પાર્ટલી સીલ થઈ છે.
આ ઉપરાંત શહેરની તમામ ખાનગી સ્કૂલોમાં આજે પાંચમા દિવસે પણ સામુહિક રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી સ્ફુલોમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો. અને સિલિંગની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી જેમાં વધુ 5 શાળાઓને સીલ કરી દેવામાં આવી છે.
સાથો સાથ શહેરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસ કે જ્યાં પણ ફાયર એન.ઓ. સી. વગેરેની મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી આવા વધુ 5 ટ્યુશન ક્લાસને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. જે કાર્યવાહી અવીરત ચાલુ રખાઇ છે.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન શહેરની કુલ 65 સ્કૂલ, 50 કલાસીસ, 32 હોટલ અને 22 હોસ્પિટલ સહિત કુલ 169 મિલકતો સિલ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળની સિટી ઈજનેર ભાવેશ જાનીની રાહબરીમાં ત્રણ દિવસથી સર્વેની કામગીરી કરવા કરવામાં આવી રહી છે, જેમાં ફાયર બ્રિગેડની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચની ટુકડી સર્વે કરી રહી છે.