Get The App

જામનગર જિલ્લામાં ગેરકાયદે લેન્ડ ગ્રેબિંગ કરનારાઓ સામે વહીવટી તંત્રની લાલ આંખ, બે શખ્સો સામે ત્રણ ફરિયાદ દાખલ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં ગેરકાયદે લેન્ડ ગ્રેબિંગ કરનારાઓ સામે વહીવટી તંત્રની લાલ આંખ, બે શખ્સો સામે ત્રણ ફરિયાદ દાખલ 1 - image

image : Freepik

Jamnagar Land Grabbing Case : જામનગર જિલ્લામાં ગેરકાયદે રીતે જમીનનો કબજો જમાવી લેનારા શખ્સોને પકડવા માટે જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, અને આવા તત્વોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેના ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલી જુદી જુદી ત્રણ જમીનોમાં ગેરકાયદે કબ્જો કરનારા બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અંગેની અલગ અલગ ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે, જેને લઈને ભારે ચકચાર જાગી છે.

લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલી જામનગરના વેપારી ભરતભાઈ પ્રભુભાઈ મુંજાલની માલિકીની જમીનનો બિન અધિકૃત રીતે કબજો જમાવી લેનારા ભગીરથસિંહ ભુપતસિંહ કંચવા (રહે. મૂંગણી) તેમજ ચેલા ગામના ઇન્દ્રજીતસિંહ વિજયસિંહ ભટ્ટી સામે મેઘપર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 ની કલમ 4(3), અને પાંચ(ગ) મુજબ ગુનો નોધ્યો છે.

આ ઉપરાંત પડાણામાં જ આવેલી જામનગરના બ્રાસપાર્ટના વેપારી પ્રવીણભાઈ કાનજીભાઈની માલિકીની જગ્યામાં ગેરકાયદે કબજો જમાવી લેનારા ભગીરથસિંહ ભુપતસિંહ કંચવા અને વિજયસિંહ ભટ્ટી સામે લેન્ડ ગ્રેબિંગનો બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત પડાણા ગામમાં જ આવેલી જામનગરના ફોટોગ્રાફર સંજયભાઈ થોભણભાઈ સીતાપરાની માલિકીની જગ્યાનો ગેરકાયદે કબજો કરી લેનારા ભગીરથસિંહ ભુપતસિંહ કંચવા તેમજ ઇન્દ્રજીતસિંહ વિજયસિંહ ભટ્ટી સામે લેન્ડ ગ્રેબિંગ અંગેનો ત્રીજો ગુનો નોંધવામાં આવ્યો છે.

જે સમગ્ર પ્રકરણની તપાસ જામનગર ગ્રામ્ય વિસ્તારના ડી.વાય.એસ.પી. આર.બી દેવધા અને તેઓની ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. વહીવટી તંત્રની આ કાર્યવાહીને લઈને જામનગર શહેર અને જિલ્લામાં ગેરફાયદને જમીનનો કબજો કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે.


Google NewsGoogle News