જામનગરમાં પતંગના દોરાના કારણે સમગ્ર દિવસ દરમિયાન 23 વિજ ફીડરો પ્રભાવિત થયા
image : Filephoto
- વિજતંત્રના 70 કર્મચારીઓ સાથેની જુદી જુદી ટુકડીઓ સતત દોડતી રહી: મોડી સાંજ સુધીમાં તમામ ફીડર કાર્યરત કરાયા
જામનગર,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર
જામનગર શહેરમાં મકરસંક્રાંતિના પર્વના દિવસે પતંગ અને દોરાના કારણે વિજ તંત્રના 23 ફીડરો પ્રભાવિત થયા હતા, અને વાયરો ભેગા થવાના કારણે ફીડર ટ્રીપ થયા હતા. પીજીવીસીએલની અલગ અલગ 70 જેટલા કર્મચારીઓની ટુકડીઓ સતત દોડતી રહી હતી, અને મોડી સાંજ સુધીમાં તમામ ફીડર કાર્યરત કરી દેવાયા હતા સદભાગ્યે કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી.
જામનગર શહેરમાં ગઈકાલે અનેક પતંગ રસિયાઓએ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી હતી. પરંતુ જામનગરના વીજ તંત્ર માટે આ મહોત્સવ ખૂબ જ કષ્ટ દાયક અને દોડધામ રૂપ સાબિત થયો હતો, અને શહેરના 23 વિજ ફીડર પ્રભાવિત થયા હતા.
જામનગર શહેરના ધરાર નગર વિસ્તારના ફીડર ઉપરાંત નંદન પાર્ક ફીડર, રણજીત વિલા ફીડર, રામવાડી ફીડર, ટીટોડી વાડી ફીડર, મોમાઈ નગર ફીડર, ભીમવાસ ફીડર, બાલાજી પાર્ક ફીડર, બેડીરોડ ફીડર, અને સુભાષ બ્રિજ ફીડર સહિત કુલ 23 ફીડર ટ્રીપ થયા હતા.
પતંગના દોરાના કારણે બે તાર ભેગા થઈ જવાથી મોટાભાગે સ્પાર્ક થવાના કારણે ફીડરો ટ્રીપ થયાના અહેવાલો મળ્યા હતા.
જામનગર શહેરની પીજીવીસીએલ વર્તુળ કચેરીના જુદા જુદા છ સબ ડિવિઝન પાડવામાં આવ્યા છે, અને તમામ સબ ડિવિઝનમાં બે-બે વાહનોની વ્યવસ્થા ગોઠવાઈ હતી, અને અંદાજે 70 જેટલા કર્મચારીઓ સાથેની અલગ અલગ ટુકડીઓ બનાવીને સમગ્ર દિવસ દરમિયાન દોડતી કરાઈ હતી. જે તમામ કર્મચારીઓએ મોડી સાંજ સુધીમાં શહેરના તમામ 23 વિજ ફીડરોને કાર્યરત બનાવી દીધા હતા.
સદભાગ્યે કોઈપણ ફીડરમાં સ્પાર્ક થવાના કારણે જાનહાનિ ના કોઈ બનાવો બન્યા ન હતા.