જામનગર બિનવારસી કારમાંથી 202 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળ્યો : કાર અને દારૂ સહિત 4.66 લાખનો મુદ્દામાલ કબ્જે
Jamnagar Liquor Crime : જામનગર-રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટીયા પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં રેઢી પડેલી એક કારમાંથી એલસીબીની ટુકડીએ 202 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો અને કાર સહિત રૂપિયા 4.66 લાખની માલમતા કબજે કરી છે, જયારે રાજકોટ પાસિંગની કારના નંબરના આધારે દારૂના વેપારીની શોધખોળ હાથ ધરી છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર રાજકોટ રોડ પરથી એક કાર મારફતે ઈંગ્લીશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન એક પ્લોટમાં સફેદ કલરની સ્કોડા કાર નજર પડી હતી.
એલસીબીની ટુકડીએ નજીક જઈને નિરીક્ષણ કરતાં ઉપરોક્ત જીજે-3 ઇ.આર.0888 નંબરની કાર બિનવારસી પડેલી હતી. તે કારને ખોલીને અંદર નિરીક્ષણ કરતાં કારની અંદરથી 202 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને કાર સહીત રૂપિયા 4,66,400 ની માલમતા કબ્જે કરી લીધી છે, અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં દારૂબંધી ભંગ અંગે ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે, અને અજાણ્યા બુટલેગરને ફરાર જાહેર કર્યા પછી કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.