લાલપુરના ઝાખર પાસે હોટલ પાછળના પાર્કિંગમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરી વેચાણ કરી રહેલા બે પકડાયા
જામનગર, તા. 05 નવેમ્બર 2023, રવિવાર
જામનગર જિલ્લાનાં લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટિયાથી આગળ આવેલા ખાનગી કંપનીના ગેઈટ સામે એક હોટલના પાર્કિગમાં ગઈરાત્રે બે શખ્સ ઈંધણ ભરેલા ટેન્કરમાંથી ઈંધણ કાઢી લઈ તેનું ગેરકાયદેસર વેચાણ કરતા મળી આવ્યા છે. મેઘપર પોલીસે ત્યાં દરોડો પાડી આ શખ્સોને ઝડપી લીધા છે. સ્થળ પરથી પેટ્રોલ ભરેલા કેરબા, ડીઝલ ભરેલું કેન અને એક ટેન્કર મળી રૂ.30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ઝાખર ગામના પાટિયા પાસે પેટ્રોલ તથા ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢી લઈ તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરાતું હોવાની બાતમી મળતા ગઈકાલે રાત્રે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીએસઆઈ બી.બી. કોડીયાતર અને સ્ટાફે દરોડો પાડયો હતો.
તે દરમિયાન નયારા કંપનીના ગેઈટ સામે મોર્યા હોટલ પાછળના પાર્કિંગમાં રાખવામાં આવેલા ઈંધણ ભરેલા એક ટેન્કર પાસેથી બે શખ્સ મળી આવ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના વતની અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા સુનિલ સમરનાથ યાદવ તથા ઝાખર ગામના ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા નામના આ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.
તે સ્થળેથી પોલીસને પેટ્રોલ ભરેલા ચાર કેરબા, ડીઝલ ભરેલું એક કેન તથા એક ટેન્કર મળ્યું હતું. પોલીસે બંને શખ્સના મોબાઈલ, પેટ્રોલ તથા ડીઝલના કેરબા, કેન અને જીજે-10-ટીએક્સ 9342 નંબરનું ટેન્કર મળી કુલ રૂ.30,47,995નો મુદ્દામાલ કબજે કર્યા છે. બંને શખ્સ સામે ગુન્હો નોંધાયો છે.