જામનગરના વિકાસ ગૃહમાંથી બે સગીર બહેનો ભેદી સંજોગોમાં લાપતા બની જતાં ભારે દોડધામ : અપહરણની આશંકા હેઠળ ગુનો નોંધાયો
Jamnagar Kidnapping Case : જામનગરના વિકાસ ગૃહમાં રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ગઈ રાતે એકાએક લાપત્તા બની જતાં વિકાસ ગૃહમાં ભારે હલચલ મચી ગઈ છે. જે અંગે વિકાસગૃહનું સંચાલન કરનાર સંચાલિકા બહેન દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરીયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને અભ્યાસ કરતી 14 વર્ષ અને 17 વર્ષની વયની બે સગીર બહેનો, કે તેઓ ગઈ રાત્રી દરમિયાન વિકાસગૃહમાંથી ભેદી સંજોગોમાં લાપતા બની જતાં વિકાસગૃહ વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી, અને ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં ભારે દોડધામ થઈ હતી.
સમગ્ર બનાવ મામલે વિકાસ ગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશભાઈજાની એ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બન્ને સગીર બહેનોના અપહરણ થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે, અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. અને જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસવાનું શરૂ કર્યું છે. સીટી બી. ડિવિઝન સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.