ધ્રોળ તાલુકાના લતીપુરની સેન્ટ્રલ બેન્કના પૂર્વ મેનેજર વિરુદ્ધ 2.16૬ કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર
- ખેડૂતોની જાણ બહારની પાક ધિરાણ ની રકમ પોતાના સગા સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ પ્રોપર્ટી ખરીદી લીધા નું સામે આવ્યું
Image Source: Twitter
જામનગર, તા.03 માર્ચ 2024, રવિવાર
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લતીપુર ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ની શાખાના પૂર્વ બ્રાન્ચ મેનેજર વિરુદ્ધ 2,16,43,393ની રકમની છેતરપિંડી કર્યાનું સામે આવતાં ચકચાર જાગી છે.
પોતાના હોદ્દા નો દુરુપયોગ કરીને જુદા જુદા ખેડૂતોની જાણ બહાર પાક ધિરાણની રકમ વગેરે પોતાના સગા સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવીને રૂપિયા 2,16,43,393ની ઉચાપત કરી લઈ તે રકમમાંથી કાર તેમજ પ્રોપર્ટી વગેરે ખરીદી લીધાનું સામે આવતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે જામનગર પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા નરેશભાઈ લેટરામ દેવ ઠાકોરએ ધ્રોળ પોલીસમાં ફરિયાદ આપી ને જણાવ્યું હતું કે લતીપુર ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની બ્રાન્ચના પૂર્વ મેનેજર નયનકુમારસિંઘ રાધાવિનોદસિંગ કે જેણે પોતાની ફરજ દરમિયાન 2,16,43,393ની રકમના ખોટા ટ્રાન્ઝેક્શન કરી લઇ જુદાજુદા ખેડૂતો ની પાક ધિરાણની રકમ પોતાના અંગત કુટુંબીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવી દઈ બેંકને ને પણ નુકસાની પહોંચાડ્યા ની ફરિયાદ આપતાં ધ્રોળ પોલીસે આઇપીસી કલમ 466 અને 409 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આરોપી પૂર્વ બેંક મેનેજરે તારીખ 20.01.2021થી તારીખ 13.7.2023સુધીના સમયગાળા દરમિયાન પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી જુદા જુદા ખેડૂત ખાતેદારોના બેંક ખાતામાંથી રકમ ઉપાડી લીધી હતી, અને 2.26કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન પોતાના કુટુંબીઓના ખાતામાં ટ્રાન્સફર કરી લીધું હતું, જે રકમમાંથી તેણે કેટલીક પ્રોપર્ટી તેમજ કારની ખરીદી કરી લીધી હોવાનું બેન્કના અધિકારીઓની તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું.
આ ઉપરાંત તેણે ખોટા ટ્રાન્જેક્શન ના આધારે કેટલાક ખેડૂત ખાતેદારો કે જેઓના ખાતા ખોટી રીતે ક્લોઝ કરી દઈ તેઓની લોન બંધ કરી નો ડ્યુ ના સર્ટીફીકેટ આપી દીધા હતા. અને બેંકને રૂપિયા 1,56,57,993ની નુકસાની પહોંચાડી હતી.
જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે ધ્રોળ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પુર્વ બેન્ક મેનેજર નયનકુમારસિંઘ પોતાના વતનમાં નાસી ગયો હોવાથી તપાસનો દોર કાનપુર સુધી લંબાવવામાં આવ્યો છે.