જામનગરમાં ખેડૂત સાથે જમીન દલાલ સહિત 3 લોકોએ બનાવટી દસ્તાવેજ ઊભા કરી 17.11 લાખની છેતરપીંડી આચરી
image : Freepik
Jamnagar Land Fraud : જામનગર નજીક નાઘેડીમાં રહેતા એક ખેડૂત સાથે છેતરપિંડી થઈ છે, અને તેના પાડોશમાં જ રહેતા જમીન દલાલ સહિતના ત્રણ શખ્સોએ કાલાવડ પંથકના અન્ય એક ખેડૂતની જમીન કે જેના ખોટા દસ્તાવેજો ઉભા કરી બોગસ માલિકો તૈયાર કરીને ખેડૂત પાસેથી જમીનના સોદા પેટે 17 લાખ 11 હજારની રોકડ રકમ પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નજીક નાઘેડી વિસ્તારમાં ગ્રીનવીલા ફૂડ રિસોર્ટમાં રહેતા અને મૂળ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના વતની રાજાભાઈ દેવાભાઈ નંદાણીયા નામના 50 વર્ષના ખેડૂતે પોતાની સાથે જમીનના વેચાણના બહાને છેતરપિંડી કરી રૂપિયા 17,11,000ની રોકડ રકમ પડાવી લેવા અંગે પોતાના પાડોશમાંજ રહેતા જમીનના દલાલ રમેશ ચનાભાઈ કરમુર ઉપરાંત ગોકુલ નગરમાં રહેતા ઘનશ્યામસિંહ સોઢા અને ખારા બેરાજામાં રહેતા મનસુખ ભીખાભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી રાજાભાઈને તેના પાડોશમાં જ રહેતા જમીન દલાલ રમેશભાઈએ કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામે આવેલી એક ખેતીની જમીન કે જે 21 વીઘા છે, જે વેચાણ કરવાની હોવાનું જણાવ્યું હતું. જેથી તેને સાથે રાખીને સૌપ્રથમ જમીન જોઈ હતી, અને 3,51,000 માં એક વીઘાનો સોદો કરવા માટેની વાતચીત થઈ હતી.
ત્યારબાદ આ જમીન ખરીદવા માટે તેઓએ ઘનશ્યામસિંહ સોઢા અને મનસુખભાઈ ભરવાડ કે જેઓ પોતે મૂળ માલિક ન હોવા છતાં જગ્યાના માલિક અશોકભાઈ દોંગા અને દેવશીભાઇ દોંગા નામ ધારણ કરીને ફરીયાદી ખેડૂતને મળ્યા હતા, અને જમીનના ત્રણ લાખ 31 હજારના વિઘાના ભાવે સોદો કરી લીધો હતો. જે અનુસાર ફરિયાદી રાજાભાઈ પાસેથી 17 લાખ 11 હજારની રકમ મેળવી લઈ ખોટા નામ ધારણ કરીને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને આપ્યા હતા.
ત્યારબાદ ખેડૂત રાજાભાઈએ જમીન બાબતેની તપાસ કરાવતાં આ જમીનના માલિક બીજા હોવાનું અને પોતાની સાથે ખોટા દસ્તાવેજો બનાવીને દલાલ સહિતના ત્રણેય વ્યકિતએ છેતરપીંડી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે ત્રણેયના મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયા હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ ત્રણેયને શોધી રહી છે.