જામનગર અને સિકકામાં દારૂના બે દરોડામાં ઈંગ્લીશ દારૂની 124 બોટલ પકડાઈ
Image : Freepik
Liquor Crime in Jamnagar : જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક શખ્સ દારૂનું વેચાણ કરતો હોય તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા તેમના રહેણાંક મકાનમાંથી 31 બોટલ દારૂ મળી આવતાં આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે સિકકાના ગોરધનપર ગામે એક રિક્ષાને શંકાના આધારે પોલીસે અટકાવી હતી. જેની તલાશી લેતાં તેમાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 93 બોટલ મળી આવી હતી. જેથી બે આરોપીની ધરપકડ કરી રિક્ષા કબ્જે કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોનીમા રહેણાંક મકાનમાં દારૂ મામલે પોલીસે રેડ પાડી હતી. જ્યાં 31 બોટલ દારૂ અને ચપટા સાથે એક શખ્સ ઝડપાયો હતો. જ્યારે ગોરધનપર ગામ પાસે રીક્ષા અને બાઇકમાંથી દારૂની હેરાફરીનો પર્દાફાશ કર્યો હતો.
જામનગરમાં સિટી સી.ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.6, શિતળા માતાના મંદિર પાસે રહેણાંક મકાનમાં રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસે મકાનની તલાશી લેતાં રૂ.5500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બોટલ અને ચપટા મળી આવ્યા હતાં. રેઈડ દરમિયાન દીપ અનિલભાઈ સોંદરવા (ઉ.વ.20) નામનો શખ્સ પોલીસની ઝપટે ચડ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિક્કા પોલીસે ગોરધનપર ગામ નજીક આવેલ લહેર તળાવથી આગળ ગામની અંદર જવાના રસ્તે બાળવની જાળીમાં અમુક શખ્સો દારૂની હેરાફેરી કરી રહ્યાં હતાં. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. રેઈડ દરમિયાન પોલીસને રૂ.30,000ની કિંમતની 60 બોટલ ઇંગ્લીશ દારૂ, રૂ.9300 ની કિંમતના 93 નંગ ચપટા અને રૂ.1,20,000ની કિંમતની જીજે-10-ટીડબલ્યુ-9380 નંબરની સિએનજી રીક્ષા મળી આવી હતી પોલીસની ભાળ પારખી નવીન લક્ષ્મીદાસ દામા અને હિરેન ઈન્દ્રજીતભાઇ ચંદન નામના બે શખ્સો પોતાનું જીજે-10-ઈએ-6025 નંબરનું મોટરસાઇકલને લઈને નાશી છૂટ્યા હતાં. પોલીસે દારૂના જથ્થા અને સીએનજી રિક્ષા સહિત કુલ રૂ.1,59,300 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા બન્ને શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે સિક્કા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.