જામનગરમાં ગણપતિ મહોત્સવની પ્રસાદી ખાધા બાદ 100 બાળકોને ફૂડ પોઇઝનિંગ, બેડ ખૂટી પડ્યા

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગણપતિ મહોત્સવની પ્રસાદી ખાધા બાદ 100 બાળકોને ફૂડ પોઇઝનિંગ, બેડ ખૂટી પડ્યા 1 - image


Food Poisoning in Jamanagar : જામનગર નજીક હાપા એલગન સોસાયટીમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગઈ રાત્રે પ્રસાદીમાં બિરીયાની આરોગ્યા બાદ 100 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનની અસર થતાં ભારે દોડધામ થઈ હતી, અને જુદી જુદી 108 ની ટુકડીઓ હોસ્પિટલ તરફ દોડતી થઈ હતી. એક બાજુ જી.જી. હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ થવા માટે દર્દીઓ અને તેના સગાઓએ ભારે પડા પડી કરી હતી, અને હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં જમીન પર સૂવાનો વારો આવ્યો હતો.

જામનગરની હાપા એલગન સોસાયટી વિસ્તારમાં ગુરૂવારે ગણપતિ મહોત્સવ દરમિયાન બિરીયાની પ્રસાદી રૂપે બનાવાઇ હતી. બિરીયાનીની પ્રસાદી આરોગનાર ભક્તો, તે પૈકીના ખાસ કરીને નાના બાળકોમાં ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી.  રાત્રિના 12:30 વાગ્યાથી ઝાડા ઉલટીની અસર થતાં બાળકોને જી.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જે વહેલી સવારે 4:00 વાગ્યા સુધી દોડધામ ચાલુ રહી હતી. 

પીડિયાટ્રિક વિભાગમાં બાળકો અને તેના વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો, અને બેડ ખુટી પડ્યા હતા. એક એક 108 ની એમ્બ્યુલન્સમાં પાંચથી દસ બાળકોને સારવાર માટે લઈ આવવાનો વારો આવ્યો હતો. જ્યારે બેડ ખૂટી પડતાં બાળકોને જમીન પર સુવડાવીને સારવાર લેવી પડી હતી. વહેલી સવાર સુધીમાં  4 વર્ષ થી લઈને 17 વર્ષ સુધીના કુલ 26 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.  જોકે તમામ બાળકો ભયમુક્ત છે. આ ઉપરાંત અન્ય સંખ્યાબંધ બાળકો સહિતના ભોગ બનનારને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે.

આ બનાવની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા પણ દોડતી થઈ છે, જ્યારે પંચકોસી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ મોડી રાત્રે  દોડતો થયો હતો. આ બનાવની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જીતેન્દ્ર શિંગાળા તેમજ સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેશભાઈ બાંભણીયા વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સારવાર માટે મદદ કરી હતી.



Google NewsGoogle News