જામનગરમાં તસ્કરોનો તરખાટ : વ્હોરાના હજીરાની અંદર આવેલી દરગાહની દાન પેટીમાંથી પોણા બે લાખની ચોરી
Jamnagar Theft Case : જામનગર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, અને વ્હોરાના હજીરાની અંદર આવેલી દરગાહને પણ તસ્કરોએ છોડી નથી. અને દરગાહની અંદર રહેલી દાન પેટીમાંથી રૂપિયા પોણા બે લાખની રોકડ રકમ ઉઠાવી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તત્કરોને શોધવા માટેની કવાયત કરી છે.
જામનગરમાં વ્હોરાના હજીરાની અંદર આવેલી દરગાહને કોઈ તસ્કરોએ ગત 14મી તારીખની રાત્રિના નિશાન બનાવી હતી, અને દરગાહની અંદર પ્રવેશ મેળવી લઇ મુખ્ય દરવાજાનું તાળું તોડી કોઈ તસ્કરો અંદર ઘુસ્યા હતા. ત્યારબાદ અંદર રહેલી લાકડાની દાન પેટી કે જેનું પણ લોક તોડી નાખી અંદાજે અંદરથી રૂપિયા એક લાખ પંચોતેર હજારની રોકડ રકમ અને પરચુરણની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા.
જે ચોરીના બનાવ અંગે દરગાહમાં નમાજ પડવાનું કામ કરતા અદનાન કુરેશીભાઈ ખોમોશીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને ખોડીયાર કોલોની ગુલાબ નગર પોલીસ ચોકીના પીએસઆઈ તેમજ સીટી બી. ડિવિઝનના ડી સ્ટાફ દ્વારા બનાવના સ્થળે પહોંચી જઈએ દરગાહની અંદર તેમજ વ્હોરાના હજીરાની બહારના સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસવાનું શરૂ કર્યું છે.