જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ પાસેથી બોલેરોમાં જઈ રહેલા ખંભાળિયાના વેપારીની 1,37,000ની રોકડ રકમ ચોરાઈ
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ વિસ્તારમાંથી બોલેરો માં પસાર થઈ રહેલા ખંભાળિયાના ભંગારના એક વેપારીની 1,37,000ની રોકડ રકમ ની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ સિક્કા પોલીસે ગણતરીના કલાકોમાંજ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરની અટકાયત કરી લઇ રોકડ રકમ કબજે કરી લીધી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા દેવેનભાઈ રણછોડભાઈ મોદી (ઉંમર 43) કે જેઓ ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બોલેરો ભાડે કરીને જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન કોઇ તસ્કરે બોલેરો માંથી તેઓની ભંગારના વેપારની 1,37,000ની રોકડ રકમ ની ચોરી કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
તેથી આ બનાવ અંગે દેવેનભાઈ મોદીએ સિક્કા પોલીસ મથકમાં તસ્કર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આશરે 20થી 25 વર્ષની વયનો કાળા કલરનો સફેદ ડિઝાઇન વાળો શર્ટ અનેક્રીમ કલરનું પેન્ટ પહેરેલો શખ્સ હોવાનું જણાવ્યું હતું. જે વર્ણનના આધારે સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.એમ. જાડેજા તથા તેઓની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસના અંતે તસ્કરને ઝડપી લીધો છે, અને તેની પાસેથી ચોરાઉ રકમ કબ્જે કરી લીધી છે.