બાંગ્લાદેશમાં અરાજક્તા વચ્ચે પીએમપદે યુનુસના શપથ, હિન્દુઓનું ભાવિ અંધકારમય

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં અરાજક્તા વચ્ચે પીએમપદે યુનુસના શપથ, હિન્દુઓનું ભાવિ અંધકારમય 1 - image


- વચગાળા સરકારના શપથગ્રહણ સમારંભમાં ભારતને પણ આમંત્રણ હતું, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

- બાંગ્લાદેશમાં અરાજક્તા વચ્ચે 1500થી વધુ હિન્દુઓને બંગાળ-બિહારમાં ઘૂસતા રોકાયા, ઢાકામાં લોકો હથિયારધારી લૂંટારાના ભયના ઓથાર હેઠળ

- દેશમાં લોકતંત્રની પુન: સ્થાપના થયા પછી શેખ હસીના વતન પરત ફરશે : પુત્ર સાજીદ

ઢાકા : બાંગ્લાદેશમાં રાજકીય તખ્તા પલટ અને શેખ હસીનાના દેશ છોડયા પછી અંતે ગુરુવારે વચગાળા સરકારની રચના થઈ ગઈ. બંગભવન પર નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસે વચગાળા સરકારના વડા તરીકે ગુરુવારે સાંજે શપથ લીધા હતા. બાંગ્લાદેશમાં નવી સરકારની રચના થઈ જવા છતાં હજુ પણ હિન્દુઓ સહિત લઘુમતીઓનું ભાવી અંધકારમય જણાઈ રહ્યું છે. બાંગ્લાદેશમાંથી હજારો હિન્દુઓએ પલાયન કરીને પશ્ચિમ બંગાળ અને બિહારમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. આ બધા વચ્ચે શેખ હસીનાના પુત્ર સાજીબ વાઝેદ જોયે કહ્યું કે, બાંગ્લાદેશમાં લોકશાહીની પુન: સ્થાપના થયા પછી શેખ હસીના સ્વદેશ પરત ફરી શકે છે. 

બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બનતા શેખ હસીનાએ સોમવારે દેશ છોડી ભાગી ગયા પછી આખરે ગુરુવારે નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ સહિત ૧૬ સભ્યોના શપથગ્રહણ સાથે વચગાળા સરકારની રચના થઈ છે. આ નવી સરકારમાં શેખ હસીના સામે અનામત વિરોધ દેખાવોનું નેતૃત્વ કરનારા વિદ્યાર્થી નેતાઓનો પણ સમાવેશ કરાયો હતો. 

આ સરકારની રચના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આશા છે કે બાંગ્લાદેશમાં વહેલી તકે સ્થિતિ સામાન્ય થઈ જશે. ત્યાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોના હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરાશે. નવી વચગાળા સરકારની શપથ વિધિમાં ભારતીય દૂતાવાસના અધિકારીને પણ આમંત્રણ અપાયું હતું. જોકે, તેઓ હાજર હતા કે નહીં તે જાણી શકાયું નથી. દરમિયાન શપથ લીધા પછી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશના લોકોને એવી સરકાર આપવાનું વચન આપ્યું હતું. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ માટે સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. શેખ હસીનાના દેશ છોડયા પછી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. કટ્ટરવાદી તત્વોના હુમલાના કારણે ૧૫૦૦થી વધુ બાંગ્લાદેશીઓએ પશ્ચિમ બંગાળ અને બિહારની સરહદેથી ભારતમાં ઘૂસવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બીએસએફના જવાનોએ તેમને અટકાવી દીધા હતા. હિન્દુઓએ બીએસએફના જવાનોને જણાવ્યું હતું કે તેમના ઘર અને મંદિરો સળગાવી દેવાયા છે. તેઓ ભારતમાં શરણ લેવા માગે છે.

બીજીબાજુ ઢાકામાં રહેવાસીઓએ તેઓ હથિયારધારી લૂંટારાઓના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોવા અંગે સોશિયલ મીડિયા પર દાવા કર્યા હતા. 

આ બધા વચ્ચે શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જોયે કહ્યું કે, બાંગ્લાદેશમાં તખ્તા પલટની પાછળ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હાથ છે. જોકે, દેશમાં લોકશાહીની પુન: સ્થાપના થયા પછી શેખ હસીના પોતાના દેશ પાછાં ફરશે. ૭૬ વર્ષીય શેખ હસીના નિશ્ચિતપણે બાંગ્લાદેશ પાછાં ફરશે. 

જોકે, તેઓ નિવૃત્ત થઈને અથવા સક્રિય રીતે રાજકારણમાં પાછા ફરશે તે અંગેનો નિર્ણય  તેમણે કરવાનો છે. બીજીબાજુ શેખ હસીનાના સ્ટાફે ભારતમાંથી ઉચાળા ભરવાની તૈયારી શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


Google NewsGoogle News