રાજકીય રક્ત પિપાસા સંતોષવા યુનુસ ન્યાયતંત્રનો આશરો લે છે : હસીના-પુત્ર
- શેખ હસીનાના પુત્ર સંજીબ વાઝેદે યુનુસ ઉપર માત્ર હસીના જ નહીં પરંતુ આવામી લીગના તમામ ઉપર વૈરવૃત્તિ રાખવાનો આક્ષેપ કર્યો
નવી દિલ્હી : બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાનના પુત્ર સંજીબ વાઝેદે યુનુસ સરકાર ઉપર ન્યાયતંત્રને હાથો બનાવી તેના આશરે પોતાની રક્ત-પિપાસા સંતોષવાનો આક્ષેપ કર્યો છે. તેઓએ વધુમાં તેમ પણ કહ્યું કે માત્ર મારા માતા (શેખ હસીના) ઉપર જ નહીં પરંતુ આવામી લીગના તમામ સભ્યો ઉપર પણ વેર વાળવા તેઓ તલસી રહ્યા છે.
શેખ હસીના અત્યારે ભારતમાં રાજ્યાશ્રય લઈ રહ્યાં છે. તેઓનાં પ્રત્યાર્પણ માટે યુનુસ સરકારે ભારત સમક્ષ રાજદ્વારી નોંધ દ્વારા માગણી કરી છે. બીજી તરફ ભારતે તે અંગે કશો પણ જવાબ આપ્યો નથી. તે સંદર્ભે વાઝેદે ઠ પોસ્ટ ઉપર યુનુસ સરકાર સામે આ આક્ષેપો કર્યા છે.
તેઓએ મંગળવારે તેમના ઠ પોસ્ટ પર લખ્યું, શેખ હસીના અને આવામી લીગના સભ્યો ઉપર ન ચૂંટાયેલી તેવી યુનુસ સરકારે નિયુક્ત કરેલા જજો અને સરકારી વકીલોએ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ દ્વારા ફાર્સિકલ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તે બીજુ કશું જ નથી પરંતુ માત્ર વિચ-હન્ટ (રક્ત-પિપાસા) જ છે.
તેઓએ આગળ લખ્યું : આ ગતિવિધિ ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોના ભંગ સમાન જ છે. આ સમગ્ર આવામી લીગને ખતમ કરવાની જ સાજીશ છે.