યુનુસ હત્યાકાંડ કરી રહ્યા છે તે હિન્દુઓ સહિત એક પણ લઘુમતિને રક્ષણ આપતા નથી : શેખ હસીના
- પદ ત્યાગ કર્યા પછી હસીનાના સૌથી પહેલા પ્રત્યાઘાતો
- બાંગ્લાદેશનાં પદભ્રષ્ટ વડાપ્રધાને આક્ષેપ કર્યો કે તેઓની અને તેઓનાં બહેનની પણ તેમના પિતાની જેમ જ હત્યા કરવાનો આતંકીઓનો ઈરાદો હતો
ન્યૂયોર્ક : બાંગ્લાદેશનાં પદભ્રષ્ટ થયેલાં વડાપ્રધાન શેખ હસીનાએ આજે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર ઉપર વેધક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ દેશમાં હત્યાકાંડ ચલાવી રહ્યા છે, અને લઘુમતિઓ ઉપર ત્રાસ વરસાવી રહ્યાં છે.
આ સાથે તેઓએ કહ્યું હતું કે આતંકીઓનો હેતુ તે પણ હતો કે તેઓની અને તેઓના બહેનની હત્યા તેમના પિતાની કરાઈ હતી તેમ જ હત્યા કરવી. (બાંગ્લાદેશને સ્વતંત્ર દેશ કરનાર શેખ મુજિબ ઉર રહેમાનની ૧૯૭૫માં હત્યા કરાઈ હતી.
ભારતમાં રાજ્યાશ્રય લીધા પછી શેખ હસીનાનું આ સૌથી પહેલું જાહેર વક્તવ્ય હતું. ન્યૂયોર્કમાં યોજાયેલા એક કાર્યક્રમમાં 'વર્ચ્યુઅલી' ઉપસ્થિત રહેલાં શેખ હસીનાએ તેઓના દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ઘેરં્ દુ:ખ દર્શાવતાં કહ્યું હતું કે, ત્યાં માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ ખ્રિસ્તીઓ, પારસીઓ, શિખો, બૌદ્ધો અને યહૂદીઓ સહિત તમામ લઘુમતિઓ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, તેમાંથી કોઈ પણ સુરક્ષિત કે સલામત નથી.
આ પછી પોતાની વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સશસ્ત્ર રમખાણકારોએ તે સમયે ૫મી ઓગસ્ટે મારાં સત્તાવાર નિવાસસ્થાન 'ગણભવન' ઉપર એટલો પ્રચંડ હુમલો કર્યો કે મને ત્યાગપત્ર પણ આપવાનો સમય ન રહ્યો. હું અને મારી બહેન રેહાના માંડ નાસી છુટયા હતા. પરંતુ તે પહેલાં મેં સશસ્ત્ર રક્ષકોને ગોળીબાર નહીં કરવા સખત સૂચના આપી હતી પરંતુ તેમની ઉપર જ હુમલા થતાં તેમણે સામા ગોળીબારો આત્મરક્ષણ માટે કર્યા હતા, કહો કે કરવા પડયા હતા. આમ છતાં મારા ઉપર હત્યાકાંડ કરવાના આરોપો મુકવામાં આવ્યા છે. વાસ્તવમાં યુનુસ જ થઈ રહેલા હત્યાકાંડોના 'કર્તા-હર્તા' છે. તેઓ સુવ્યવસ્થિત રીતે અને ગણતરીપૂર્વક તે સાથે સંકળાયેલા છે. આ હુમલાઓનાં માસ્ટર માઈન્ડ સ્ટુડન્ટ કોઓર્ડીનેટર્સ (વિદ્યાર્થી સંકલનકર્તા) અને યુનુસ છે. તેથી જ બાંગ્લાદેશની ઢાકા સ્થિત સત્તા લઘુમતિઓનું રક્ષણ કરતી નથી.
શેખ હસીનાએ ફરી એક વખત પોતાનો ઉભરો ઠાલવતાં કહ્યું કે, ત્યાં હિન્દુઓ, બૌદ્ધો, કે ખ્રિસ્તીઓ કોઈને છોડવામાં આવતા નથી. અરે ! ચર્ચો પણ તોડાઈ રહ્યાં છે. હિન્દુઓનાં મંદિરોનો નાશ થઈ રહ્યો છે, બૌદ્ધ મંદિરો પણ તોડી-ફોડી નખાય છે. જ્યારે હિન્દુઓએ વિરોધ ઉઠાવ્યો ત્યારે તેઓના એક સંતને પૂરી દેવામાં આવ્યા.
આ રીતે શેખ હસીનાએ હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણદાસની ધરપકડનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો. આ પછી કહ્યું, 'શા માટે લઘુમતિઓ ઉપર જુલ્મો થાય છે ? તેઓની ઉપર શું કામ આટલા નિર્દય હુમલાઓ થઈ રહ્યાં છે ?'